Mon May 11 2026

Logo

આઠમા માળેથી પટકાયેલી મહિલાનો  વીડિયો વાયરલ: આત્મહત્યાની શક્યતા

2026-05-10 19:07:03
Author: Yogesh C. Patel
Article Image

પુણે: પુણેની એક રહેણાક સોસાયટીમાં બનેલી કમકમાટીભરી ઘટનામાં આઠમા માળે આવેલા ફ્લૅટની બાલ્કની પર લટકેલી મહિલા પડી ગઈ હોવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. પતિ સાથે થયેલા ઝઘડા પછી મહિલાએ આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

તળેગાંવ એમઆઈડીસી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સંતોષ પાટીલે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલી મહિલાની ઓળખ પ્રતિભા મનીશ શંકર (35) તરીકે થઈ હતી. પુણેના માવળ તાલુકામાં કાતવી ખાતેની વીટીપી અબન લાઈફ સોસાયટીમાં શનિવારે આ ઘટના બની હતી.

પુણેની આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખાસ્સો વાયરલ થયો હતો. વીડિયોમાં ઈમારતના આઠમા માળે આવેલા ફ્લૅટની બાલ્કનીની લોખંડની ગ્રીલ સાથે મહિલા લટકેલી દેખાય છે. બાલ્કનીમાં બાળકો સહિત ત્રણ જણ દોડી આવતા દેખાય છે. પછી એકાએક મહિલાનો હાથ છટકી જાય છે અને તે નીચે પડે છે.

કહેવાય છે કે પતિ સાથે કોઈક મુદ્દે થયેલા ઝઘડા પછી મહિલા બાલ્કનીમાં આવી હતી. પોલીસને શંકા છે કે મહિલાએ આત્મહત્યા કરી હશે. મહિલા જમીન પર પટકાવાનો અવાજ સાંભળી રહેવાસીઓ દોડી આવ્યા હતા. નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલી મહિલાને તબીબે મૃત જાહેર કરી હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી દેવાયો હતો. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.