Thu Oct 08 2026

Logo

વડાપ્રધાન વડોદરામાં રૂ. 30,766 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

2026-09-06 18:30:41
Author: Pooja Shah
વડાપ્રધાન વડોદરામાં રૂ. 30,766 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે. તેઓ વડોદરામાં એક કાર્યક્રમમાં કુલ રૂ. 30,766 કરોડના રેલ્વે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

રેલ્વે મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સમાં નવી રેલ્વે લાઇનો, ડબલિંગ અને ગેજ કન્વર્ઝન કામો, તેમજ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી)ના નવા વિભાગોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર મુખ્ય પ્રોજેક્ટ્સમાં 259 કિમી લાંબી વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી રેલ્વે લાઇનનો સમાવેશ થાય છે, જેનો શિલાન્યાસ કરવામાં આવશે. રૂ. 8,885 કરોડના અંદાજિત ખર્ચ સાથે, આ પ્રોજેક્ટ હાલના રૂટ પરની ક્ષમતાને મજબૂત બનાવશે અને મુસાફરો અને માલવાહક ટ્રેનોની અવરજવરને સરળ બનાવશે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. 

વડા પ્રધાન ₹૩૩૪ કરોડના જોબત-ટાંડા રોડ રેલ્વે સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે, જેનાથી આદિવાસી અને દૂરના વિસ્તારોમાં રેલ કનેક્ટિવિટીમાં સુધારો થવાની અપેક્ષા છે. વિશ્વામિત્રી-ડભોઈ રેલ્વે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ, જેનો અંદાજિત ખર્ચ રૂ. ૩૯૪ કરોડ છે, અને રૂ. ૪૫૦ કરોડના મિયાગામ કરજણ-ચોરંડા-માલસર ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરવામાં આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

ગુજરાતની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન, વડા પ્રધાન વડોદરા નજીક નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પુલોનું ઉદ્ઘાટન કરવાના છે અને એમ.એસ. યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધિત કરવાના છે. આ કાર્યક્રમમાં લગભગ 8,000-10,000 લોકો ભાગ લેશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. આ લોકોમાં યુવાનો-ઝેન ઝીનો પણ સમાવેશ થશે.