Sat Apr 25 2026

Logo

મુંબઈ ઇન્ડિયન્સ ફક્ત બે મૅચ જીતી છેઃ હવે પ્લે-ઑફ માટે કેટલો ચાન્સ છે?

2026-04-24 20:14:47
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ આ વખતે સાતમાંથી ફક્ત બે મૅચ જીતી શકી છે અને એના ખાતે ફક્ત ચાર પૉઇન્ટ છે એટલે ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા છે કે આ ટીમ પ્લે-ઑફમાં પહોંચી શકશે કે નહીં? પ્લે-ઑફમાં પહોંચવાનો એનો રસ્તો બંધ તો નથી થઈ ગયોને?

સાતમાંથી પાંચ મૅચ હારી જનાર મુંબઈની ટીમને ગુરુવારે વાનખેડેમાં ચેન્નઈ સુપર કિંગ્સે 103 રનથી પરાજિત કરી હતી. આઇપીએલના ઇતિહાસમાં આ ટીમની રનની દૃષ્ટિએ આ સૌથી ખરાબ હાર હતી.

જોકે પૉઇન્ટ્સ-ટેબલમાં આઠમા નંબર પર રહી ગયેલી મુંબઈની ટીમની હજી સાત લીગ મૅચ બાકી છે. આ સાત મૅચમાં હાર્દિકની સેનાએ શું કરવું પડશે એ જાણીએ...

મુંબઈએ પોતાના પર્ફોર્મન્સના જોરે નહીં, પણ કોઈ અન્ય ટીમોની સ્થિતિને આધારે પ્લે-ઑફમાં સ્થાન મેળવ્યું હોય એવું અગાઉ કેટલીક વખત બની ચૂક્યું છે. આ વખતે હવે એની જે સાત મૅચ બાકી છે એમાંથી એણે કોઈ પણ ભોગે છ જીતવી જ પડશે. જો મુંબઈ છ મૅચ જીતશે તો એના કુલ 16 પૉઇન્ટ થશે. પ્લે-ઑફ (play off)માં પહોંચવા માટે આ સ્થિતિને સુરક્ષિત માપદંડ માનવામાં આવે છે. બીજી રીતે કહીએ તો મુંબઈના જો 16 પૉઇન્ટ થઈ જશે તો પ્લે-ઑફમાં જવું એના માટે શક્ય બનશે અને જો એનાથી ઓછા પૉઇન્ટ હશે તો એણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

મુંબઈ જો બાકીની સાતમાંથી પાંચ મૅચ જીતશે તો એના કુલ 14 પૉઇન્ટ થશે અને એના માટે પ્લે-ઑફનું ક્વૉલિફિકેશન થોડું મુશ્કેલ થઈ જશે. 14 પૉઇન્ટ સાથે મુંબઈએ નેટ રનરેટ પણ મજબૂત બનાવવો પડશે. અત્યારે મુંબઈનો રનરેટ -0.736 છે. યાદ અપાવવાની કે 2025ની સીઝનમાં મુંબઈની ટીમ 16 પૉઇન્ટ સાથે પ્લે-ઑફમાં પહોંચી હતી.

મુંબઈ (Mumbai)ની આગામી મૅચ બુધવારે (પાંચ દિવસના બે્રક બાદ) વાનખેડેમાં હૈદરાબાદ સામે રમાશે. હાર્દિક પંડ્યા ઍન્ડ કંપની જો પોતાના પર્ફોર્મન્સમાં મોટો સુધારો નહીં કરે તો એ વહેલી બહાર થઈ જશે. હવે મુંબઈની બાકીની સાતમાંથી ત્રણ મૅચ બેંગ્લૂરુ, રાજસ્થાન અને પંજાબ સામે છે અને આ ત્રણેય ટીમ શરૂઆતથી જ ટૉપ-ઑર્ડરમાં રહે છે અને બાકીની ટીમો પર દબાણ વધારતી આવી છે. મુંબઈએ ખાસ કરીને આ ત્રણ ટીમના પડકારને સફળતાથી ઝીલવો જ પડશે.