Thu Oct 08 2026

Logo

અપૂરતા વરસાદને કારણે મરાઠવાડા વિસ્તારમાં વાવેતરમાં થયો મોટો ઘટાડો

2026-07-07 21:16:11
અપૂરતા વરસાદને કારણે મરાઠવાડા વિસ્તારમાં વાવેતરમાં થયો મોટો ઘટાડો

મુંબઈઃ ચોમાસામાં વિલંબને કારણે મહારાષ્ટ્રના મરાઠવાડાના આઠ જિલ્લાઓમાં વાવણી હેઠળનો વિસ્તાર ગયા વર્ષની સરખામણીમાં ૧૭.૮૭ લાખ હેક્ટર જેટલો ઘટ્યો છે. છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, પરભણી, નાંદેડ, હિંગોલી, ધારાશિવ અને લાતુર જિલ્લાઓનો સમાવેશ કરતા પ્રદેશમાં એકંદરે વાવણીની ટકાવારી લગભગ 58 ટકા છે.

કૃષિ વિભાગના અહેવાલ મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં ખેતી હેઠળનું સરેરાશ ક્ષેત્રફળ ૪૯.૭૨ લાખ હેક્ટર હતું. વર્ષ ૨૦૨૫માં ૪૨.૪૨ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે, હાલમાં તે ઘટીને ૨૪.૫૫ લાખ હેક્ટર થઈ ગયું છે.

ચોમાસામાં વિલંબને કારણે, મહારાષ્ટ્રના કૃષિ વિભાગે શરૂઆતમાં ખેડૂતોને જ્યાં સુધી સંતોષકારક વરસાદ ન થાય ત્યાં સુધી વાવણી ન કરવાની અપીલ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, "કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રથી વિપરીત, મરાઠવાડામાં આ વર્ષે હજુ સુધી જોઈએ એવો વરસાદ નોંધાયો નથી."

મરાઠવાડામાં જૂન મહિનાથી સરેરાશ ૧૭૬ મિમી વરસાદ નોંધાય છે, પરંતુ હાલમાં ૧૫૩.૭ મિમી વરસાદ સાથે ૧૩ ટકાની ઘટ નોંધાઈ છે. છત્રપતિ સંભાજીનગર અને જાલનામાં અનુક્રમે ૧૦૦.૪ મિમી અને ૧૧૨.૫ મિમી અપેક્ષિત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ક્ષેત્રમાં લાતુર અને પરભણી જિલ્લામાં સૌથી ઓછો વરસાદ થયો છે, જે અનુક્રમે ૬૬ ટકા અને ૬૬.૩ ટકા જેટલો છે.