જલગાંવઃ ક્રિકેટ મૅચની ફાઇનલ રમાવાની હોય એટલે મામલો ચરમસીમાએ હોય અને જેમાં રમવાની બન્ને ટીમના દરેક ખેલાડીની ઇચ્છા હોય, પરંતુ જો કોઈ પ્લેયર એ નિર્ણાયક મુકાબલાથી વંચિત રહી જાય તો તેને ખૂબ અફસોસ જરૂર થાય. જોકે જલગાંવમાં એક ટ્રૅક્ટર (Tractor) ડ્રાઇવર તો એટલો બધો ક્રોધમાં આવી ગયો કે તેણે પિચ પર ટ્રૅક્ટર જ ફેરવી નાખ્યું.
જલગાંવ (Jalgaon)માં એક ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ શરૂ થઈ રહી હતી. તમામ ખેલાડીઓ અને પ્રેક્ષકોની ઇન્તેજારીનો અંત આવી રહ્યો હતો ત્યાં તો ઇવેન્ટનો ભવ્ય અને રોમાંચક અંત આવવાનો હતો એને બદલે વિનાશ થયો. ફાઇનલ શરૂ જ થઈ રહી હતી ત્યાં એક સ્થાનિક માણસ ટ્રૅક્ટર સાથે મેદાન પર ધસી આવ્યો અને પિચનો તેણે ટ્રૅક્ટરથી સત્યાનાશ કરી દીધો હતો.
THE RESULT OF NOT INVITING YOUR FRIEND WHO OWNS THE TRACTOR. 🤣
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2026
- A tractor driver in Jalgaon destroys the cricket pitch of a tournament’s final after not receiving the invitation to play. pic.twitter.com/d7719OFuwt
ડ્રાઇવર કોઈને પણ ચેતવ્યા વગર સીધો ટ્રૅક્ટર સાથે પિચ ધસી આવ્યો હતો. બુલડોઝર ફેરવી દીધું હતું. સર્વત્ર હાહાકાર મચી ગયો હતો. ટ્રૅક્ટરના પૈડાં એટલા બધા વજનદાર હતા કે એનાથી ઘાસ છૂંદાઈ ગયું હતું, પિચમાં તિરાડો પડી ગઈ હતી અને પિચ જરાય રમવાલાયક નહોતી રહી. પ્રેક્ષકોના તો માનવામાં જ નહોતું આવતું. આવું તેમણે તો અગાઉ ક્યારેય નહોતું જોયું, ક્યારેય ક્રિકેટના કોઈ મેદાન પર આવું બન્યું પણ નહીં હોય.
આવું કરવા પાછળનું કારણ એ હતું કે ટ્રૅક્ટરના ડ્રાઇવરને તેના સમાજની ટીમે ફાઇનલમાં રમવાનું આમંત્રણ નહોતું આપ્યું. પોતે લાંબા સમયથી સમાજનો મેમ્બર હોવા છતાં તેને ફાઇનલમાં રમવા ન બોલાવતાં તેનાથી અપમાન સહન નહોતું થયું અને તેણે આ કૃત્ય કર્યું હતું. ટ્રૅક્ટરના ડ્રાઇવરે સમાજની ટીમ સામે બદલો લેવા આવું પગલું ભર્યું હતું. તેણે પિચ પર પહોંચ્યા બાદ એક છેડાના ત્રણેય સ્ટમ્પ્સ ટ્રૅક્ટરના પૈડાં નીચે ચગદી નાખ્યા હતા અને પછી પિચ પર ટ્રૅક્ટર ફેરવીને ત્યાંથી નાસી ગયો હતો. મેદાન પર લોકો ધસી આવ્યા હતા.