Thu Oct 08 2026

Logo

સુરતની 10 ફિઝિયોથેરાપિસ્ટ યુવતીઓને ગંદા વીડિયો મોકલનારો મુંબઈથી ઝડપાયો, જાણો કોણ છે આ યુવક

2026-08-14 15:34:08
Author: Mayur Patel
સુરતની 10 ફિઝિયોથેરાપિસ્ટ યુવતીઓને ગંદા વીડિયો મોકલનારો મુંબઈથી ઝડપાયો, જાણો કોણ છે આ યુવક

સુરત: શહેરમાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીઓને ગંદા વીડિયો મોકલીને પરેશાન કરવામાં આવતી હતી.  આરોપીએ વોટ્સએપ પર પોતાના રોગ અને સારવારની વિગતો મોકલવાના બહાને પોતાના પ્રાઇવેટ અંગો દર્શાવતા બીભત્સ વીડિયો અને તસવીરો મોકલી હતી. મહારાષ્ટ્રના મુંબઈના તુષાર નામના શખ્સે સુરતની 10 ફિઝિયોથેરાપિસ્ટ યુવતીઓને ગંદા વીડિયો મોકલ્યા હતા.

મળતી વિગત પ્રમાણે, મુંબઈના તુષાર નામના યુવકે સુરતની 10  ફિઝિયોથેરાપિસ્ટ યુવતીઓને ગંદા વીડિયો મોકલ્યા હતા. આ મામલે સુરત ફિઝિયોથેરાપિસ્ટ્સ ડોક્ટર્સ એસોસિએશનની રજૂઆત બાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો હતો. જે બાદ તેનું લોકેશન મહારાષ્ટ્રના મુંબઈમાં ટ્રેસ થયું હતું અને પોલીસે તેને ઝડપી લીધો હતો. 

શું છે સમગ્ર મામલો

સુરતમાં 24 જુલાઈના રોજ એક ફિઝિયોથેરાપિસ્ટ યુવતી પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર શખ્સે પોતાનું નામ તુષાર જણાવ્યું હતું અને તેના એક ઓર્થોપેડિક ડોક્ટરે ફિઝિયોથેરાપી કરાવવાની સલાહ આપી હોવાનું કહ્યું હતું. આરોપીએ વોટ્સએપ પર પોતાના રોગ અને સારવારની વિગતો મોકલવાના બહાને પોતાના પ્રાઇવેટ અંગો દર્શાવતા બીભત્સ વીડિયો અને તસવીરો મોકલી હતી.

શરીરના ચોક્કસ ભાગમાં દુખાવો હોવાનું કહી તેણે સારવાર અને કસરત અંગે માર્ગદર્શન માંગ્યું હતું. મહિલા ડોક્ટરે તેને કોઈ પુરુષ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવાની સલાહ આપી હોવા છતાં તેણે સતત અશ્લીલ મેસેજ મોકલવાનું ચાલુ રાખતાં અંતે ડોક્ટરે તેનો નંબર બ્લોક કરી દીધો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માત્ર એક નહીં, પરંતુ સુરતની અંદાજે 10 જેટલી ફિઝિયોથેરાપિસ્ટ યુવતીઓને આ જ રીતે છેલ્લા 15 દિવસથી વીડિયો/વોઇસ કોલ અને અશ્લીલ મેસેજ કરીને સતત હેરાન કરતો હતો.

સુરત ફિઝિયોથેરાપિસ્ટ્સ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યા બાદ એક મહિલા ફિઝિયોથેરાપિસ્ટની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે.  ટેકનિકલ એનાલિસિસ અને વોટ્સએપ કોલ ડેટાના આધારે આરોપીનું લોકેશન મુંબઈ હોવાનું બહાર આવ્યું હતું.   સુરત પોલીસે મુંબઈ પહોંચીને તેની ધરપકડ કરી હતી. જે બાદ તેને સુરત લાવવામાં આવ્યો હતો.