Sat Apr 25 2026

Logo

કવર સ્ટોરી: મધુબાલાનો તાજ કોના શિરે?

2026-04-24 08:35:00
Author: Hema shashtri
Article Image

ભારતીય ચિત્રપટ ઈતિહાસની સૌંદર્ય સમ્રાજ્ઞીને પડદા પર સાકાર કરવાનો કળશ કઈ અભિનેત્રીને માથે ઢોળાશે?

-હેમા શાસ્ત્રી

મધુબાલા, ફિલ્મ હોય, નાટક હોય કે વેબ સિરીઝ કે પછી ટીવી સિરિયલ હોય, પ્રત્યેક કલાકાર વૈવિધ્યપૂર્ણ ભૂમિકા કરવા તલપાપડ હોય છે. જોકે, બધાની બધી ઈચ્છા પૂરી નથી થતી. કોઈ ઈમેજમાં બંધાઈ જાય તો કોઈ પ્રયોગ કરવામાં થાપ ખાઈ જાય. આમ છતાં, દરેક કલાકાર એક ડ્રિમ રોલ ઝંખતો હોય છે. એક એવો રોલ જે કાયમ માટે સીને પ્રેમીના માનસપટ પર અંકિત થઈ જાય. આ પ્રકારના રોલ સાથે ગ્લેમર વીંટળાયેલું હોય છે અને સાથે એક પડકાર પણ હોય છે. એ પાત્ર ભજવવાની તક તો મળી ગઈ, પણ શું એ પાત્રને પોતાની અભિનય ક્ષમતાથી પૂર્ણ ન્યાય આપી શકાશે કે કેમ એ ચિંતા પણ કલાકારના છાના ખૂણે લપાઈને બેઠી હોય છે.

વિશાળ કેનવાસ પર ભવ્ય નિર્માણ હેઠળ ફિલ્મો બનાવવાની ખ્યાતિ ધરાવતા સંજય લીલા ભણસાલી નિર્મિત હિન્દી ચિત્રપટ સૃષ્ટિની સૌંદર્ય સામ્રાજ્ઞીનું બિરુદ મેળવનારી રૂપવતી મધુબાલાની બાયોપિકમાં રૂપેરી પડદા પર મધુબાલાને સાકાર કરવા માટે કઈ અભિનેત્રી મેદાન મારી જશે એ વિષે ઈન્ડસ્ટ્રીમાં કેટલાક નામ ચર્ચાઈ રહ્યા છે. દિગ્દર્શકના અભિપ્રાયનું વજન પડશે, પણ અંતિમ નિર્ણય તો ભણસાલી સાહેબ જ લેશે એ વિશે કોઈને શંકા નહીં હોય. મધુબાલાની બાયોપિકનું ડિરેક્શન આલિયા ભટ્ટની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ની દિગ્દર્શિકા જસ્મિત કે. રીન કરવાની છે.

કોણ બનશે મધુબાલા? ચર્ચાયેલા પછી ચોકડી મારેલા અને આજની તારીખમાં જેના પલડાં ભારે છે એ અભિનેત્રીઓ કોણ છે એ જાણવું રસપ્રદ તો ચોક્કસ રહેશે.

કિયારા અડવાણી

મધુબાલાની બાયોપિક બનશે એવી વાત વહેતી થતાની સાથે અમુક નામ એની મેળે વર્તુળમાં ગોળ ગોળ ઘુમવા લાગે. મજા તો એવી હોય કે ન તો એ નામ વિશે મેકરે વિચાર કર્યો હોય કે ન પેલા કલાકારએ એ દિશામાં વિચાર્યું હોય. મધુબાલા માટે કિયારા અડવાણીનું નામ છે એવી વાત સોશ્યલ મીડિયામાં વહેતી થઈ હતી. જોકે, કોઈ પણ પક્ષ તરફથી એને સમર્થન નથી મળ્યું. ટૂંકમાં આ એક ચગાવેલા પતંગથી વિશેષ કશું જ નથી.

શર્વરી વાઘ

યશરાજ ફિલ્મ્સની ‘બંટી ઔર બબલી 2’થી હિન્દી ફિલ્મોમાં પા પા પગલી માંડનારી શર્વરી વાઘના નામે એક પંજાની આંગળીઓ જેટલી ફિલ્મો પણ ન બોલતી હોવા છતાં આજની તારીખમાં એના નામ માટે અટકળ ઓછી, સંભાવના વધુ એવું કહેવાઈ રહ્યું છે. પલડું ભારે હોવાનું એક સબળ કારણ એ છે કે આ ચહેરો બહુ જાણીતો નથી. બીજું, ક્લોઝ અપમાં મધુબાલાના સૌંદર્ય અને મોહક વ્યક્તિત્વનો એનામાં અણસાર આવે છે. સિવાય, ‘મુંજ્યા’ અને ‘વેદા’ ફિલ્મોમાં એની અભિનય પ્રતિભાનો ખ્યાલ આવી ગયો છ

સાઈ પલ્લવી

સંજય લીલા ભણસાલી બાયોપિક માટે અન્ય જરૂરિયાતો સાથે નવા ચહેરા પર ભાર મૂકતા હોવાથી સાઉથની અભિનેત્રી અને ખાસ તો નિતેશ તિવારીની ‘રામાયણ’માં સીતાના રોલ માટે ગાજેલી સાઈ પલ્લવીનું નામ ઘણું આગળ માનવામાં આવે છે. દસેક વર્ષમાં તમિલ - તેલુગુ ફિલ્મોમાં પ્રભાવ પાડવામાં સફળ રહેલી સાઈ પલ્લવીનું નામ હવે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતું બની ગયું છે. ‘રામાયણ’ ઉપરાંત જુનૈદ ખાન સાથેની લવસ્ટોરી ‘એક દિન’માં પણ સાઈ પલ્લવી કામ કરી રહી છે. આકર્ષક ચહેરો અને અભિનયની આવડતને કારણે સાઈ પલ્લવી બાયોપિક માટે મજબૂત દાવેદાર છે.

સારા અર્જુન

આદિત્ય ઘરની ‘ધુરંધર’ અને એની સિક્વલમાં હમજા અલી મજારી (રણવીર સિંહ)ની પ્રેમિકા યાલીના જમાલીના કિરદારમાં પ્રભાવ પાડી ગયેલી સારા અર્જુન મધુબાલાની બાયોપિક માટે ફેવરિટ માનવામાં આવે છે. જે અભિનેત્રીઓ રેસમાં છે એમાં કદાચ સૌથી કોમળ મુખારવિંદ સારા અર્જુનનું છે. આ બાબત એના દાવાને મજબૂત બનાવે છે. પોતે કાબેલ અભિનેત્રી છે એ તો તેણે સાઉથની ફિલ્મો અને બે હિન્દી ફિલ્મોમાં સિદ્ધ કરી દીધું છે

કલ્યાણી પ્રિયદર્શન

સાઉથની ચાર ભાષા ઉપરાંત હિન્દીમાં ‘વિરાસત’, ‘હેરાફેરી’, ‘ભૂલભૂલૈયા’ જેવી યાદગાર ફિલ્મો આપનારા ફિલ્મમેકર પ્રિયદર્શનની પુત્રી કલ્યાણી મધુબાલાની બાયોપિક માટે મજબૂત દાવેદાર ગણાય છે. પહેલી જ તેલુગુ ફિલ્મમાં એવોર્ડ મેળવી ગયેલી કલ્યાણી સાઉથની ત્રણ ભાષા તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પ્રતિભાશાળી સાબિત થઈ રહી છે. બાયોપિકની દાવેદારોમાં સૌથી ઓછું જાણીતું નામ કલ્યાણીનું છે. આ વાત એના દાવાને સ્ટ્રોંગ બનાવી દે તો નવાઈ ન લાગવી જોઈએ

અનિત પડ્ડા

બાયોપિક માટે ચર્ચિત અભિનેત્રીઓમાં ઉંમરમાં સૌથી નાની અનિત પડ્ડા ‘જેન ઝી; (ડિજિટલ દુનિયામાં ઉછરેલી પેઢી)નાં દિલોમાં રાજ કરી રહી છે. એડવર્ટાઈઝિંગ ફિલ્મોથી શરૂઆત કરી રેવતીની ‘સલામ વેન્કી’માં ચમકેલી અનિત પડ્ડા વિશેષ ધ્યાનમાં ન આવી, કારણ કે એક તો રોલ નાનો હતો અને ફિલ્મ સુપરફ્લોપ હતી. જોકે, ગયા વર્ષે ‘સૈયારા’એ ધૂમ મચાવી અને અનિત યંગસ્ટર્સની માનીતી બની ગઈ. ફૂટડી દેખાતી અનિત અભિનયમાં પણ કાબેલ હોવાનું પૂરવાર થયું હોવાથી એનું નામ પણ ચર્ચામાં છે.

હવે જોઈએ આમાંથી કોણ મેદાન મારી જાય છે  કે પછી મધુબાલા તરીકે કોઈ ન ધારેલા સરપ્રાઇઝ આપણી સમક્ષ આવશે? ખુદા જાણે... !