અમદાવાદ/લુઈસિયાના: અમેરિકાના લુઈસિયાના એક કન્વીનિન્સ સ્ટોર પર વાતચીત દરમિયાન અકસ્માતે છૂટેલી ગોળી 30 વર્ષીય મૂળ ગુજરાતી મહિલાને વાગી હતી. ગોળી મહિલાના જડબામાંથી આરપાર નીકળી જતાં જીવન સામે જંગ લડી રહી છે. આ કેસમાં તેના પતિની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટરોનું કહેવું છે કે તેની રિકવરી માટે સર્જરીઓની લાંબી પ્રક્રિયાની જરૂર પડશે, અને તેની સારવાર માટે આર્થિક સહાય મેળવવા ક્રાઉડફંડિંગ શરૂ કરવામાં આવ્યું છે.
શું છે મામલો
રિપોર્ટ પ્રમાણે, પીડિતા જિજ્ઞા ઉર્ફે સોનિયા ગજેરાને 4 એપ્રિલના રોજ બોસિયર સિટીના મેઝો ગ્રોસરી એન્ડ ડેલીમાં ફાયરિંગ દરમિયાન ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે ફાયરિંગ થયું ત્યારે હથિયાર તેના પતિ શરદ ગજેરા પાસે હતું. ખૂબ નજીકથી ગોળી છૂટતા તે સોનિયાના જડબાની આરપાર નીકળી ગઈ હતી.
પતિએ વોરંટ ઈશ્યુ થયા બાદ કર્યું આત્મસમર્પણ
વોરંટ ઈશ્યુ થયા બાદ શરદ ગજેરાએ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને 21 એપ્રિલના રોજ હથિયારના ગેરકાયદેસર ઉપયોગના આરોપ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે આ દંપતી સ્ટોરના માલિક વિન્સ મેઝો સાથે આ આઉટલેટ ખરીદવા બાબતે વાતચીત કરી રહ્યું હતું.
અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો
પોલીસે આ ફાયરિંગને અકસ્માત ગણાવ્યું હોવા છતાં, સંજોગોએ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે દંપતી સ્ટોર માલિક સાથે વાત કરી રહ્યું હતું ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. કેટલાક લોકોએ આને અકસ્માત માનવાનો ઇનકાર કરતા જાહેર વ્યવસાયિક જગ્યાએ લોડેડ હથિયાર લઈ જવાના જોખમ સામે સવાલ ઉઠાવ્યા હતા.
કેવી છે યુવતીની હાલત
સોનિયા હાલ બોસિયર સિટીની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. ગોળી વાગવાને કારણે તે સામાન્ય રીતે ખાઈ શકતી નથી અને તેના દાંત, જડબા અને નીચેના હોઠને ભારે નુકસાન થયું છે. હાલમાં તે શ્વાસ લેવા માટે મશીન પર નિર્ભર છે.
ડોક્ટરો શું કહે છે
તબીબી નિષ્ણાતોના મતે તેની રિકવરી લાંબી અને જટિલ હશે, જેમાં જડબાનું રિકન્સ્ટ્રક્શન, સર્જરી અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ જેવી અનેક પ્રક્રિયાઓ કરવી પડશે. સબંધીઓના જણાવ્યા મુજબ, સારવાર છતાં તે સંપૂર્ણપણે સાજી થશે કે કેમ તે અનિશ્ચિત છે.
સારવાર માટે કેટલો થશે ખર્ચ
આ સંકટના સમયે, તબીબી ખર્ચને પહોંચી વળવા માટે સમુદાયના સભ્યોએ ક્રાઉડફંડિંગ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન માટે $2,00,000 (આશરે રૂ. 1.90 કરોડ) નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સોનિયા તાજેતરમાં જ ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે અમેરિકા ગઈ હતી અને ત્યાં પાર્ટ-ટાઇમ કામ કરવાની સાથે કોસ્મેટોલોજિસ્ટ બનવાનું સપનું જોતી હતી.
અપીલમાં તેની ભૂતકાળની મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેના નાના ભાઈનું અવસાન અને પિતાની લાંબી માંદગી દરમિયાન તેમની સંભાળ રાખવાની જવાબદારી સામેલ હતી. 24 એપ્રિલ સુધીમાં, 51 લોકોના દાન દ્વારા $9135 (આશરે રૂ. 8.60 લાખ) એકઠા થયા છે, જે જરૂરી રકમનો માત્ર એક નાનો ભાગ છે.