Sat Apr 25 2026

Logo

સિનેમા એટલે વિઝ્યુઅલ્સ કે વાર્તા? રામ જાણે!

2026-04-24 09:58:00
Author: Divyakant Pandya
Article Image

માયથોલોજિકલ આર્મ્સ રેસ એન્ડ ન્યૂ ઇન્ડિયન સિનેમાની આધુનિક રેસમાં ખરો આત્મા ખોવાઈ તો નહીં જાયને..?

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

‘રામાયણ’ , ‘કલ્કી 2898 એડી’

અત્યારે આપણે એક એવી રેસ જોઈ રહ્યા છીએ, જ્યાં પૌરાણિક કથાઓને ડિજિટલ રીતે ફરીથી કહેવા માટે પાણીની જેમ પૈસા વહેવડાવવામાં આવે છે. નિતેશ તિવારીની ‘રામાયણ’નું પેલું ‘રામ’ ટીઝર હોય કે નાગ અશ્વિનની ‘કલ્કી 2898 એડી’ની ભવ્યતા, ભારતીય ફિલ્મ્સ હવે સિલિકોન વેલીના ગ્રાફિક્સ એન્જિન જેવી બની ગઈ છે. જ્યારે ‘રામાયણ’ જેવી ફિલ્મનું બજેટ 4000 કરોડને (બંને ભાગ) આંબી જાય ત્યારે મનમાં એક સવાલ ચોક્કસ થાય છે: આપણને સ્ક્રીન પર પિક્સેલ્સ તો જબરદસ્ત દેખાય છે, પણ શું તેમાં એ જૂનો આત્મા ક્યાંક ખોવાઈ તો નથી ગયો ને?

આ પ્રયાસ પાછળનો ઈરાદો ખોટો નથી. વર્ષો સુધી આપણા સર્જકોને એ વાતનો વસવસો હતો કે આપણી પાસે વાર્તાઓ તો અદ્ભુત છે પણ પશ્ર્ચિમના દેશો જેવી ટેકનોલોજી નથી. આજે 2026માં એ અંતર પૂરાઈ ગયું છે. ‘કલ્કી’માં આપણે જોયું કે ભવિષ્યના કાશીનો નજારો હોય કે દેવી શસ્ત્રોની ચમક, બધું એટલું રિયલ લાગે છે, જેની પાંચ વર્ષ પહેલાં આપણે કલ્પના પણ નહોતી કરી.

અહીં જ આપણે એક મોટા વળાંક પર ઊભા છીએ. એસ.એસ. રાજામૌલી, જેમણે ‘બાહુબલી’થી આ ટ્રેન્ડ શરૂ કર્યો, તેમણે જ એકવાર કહ્યું હતું કે, ‘ટેકનોલોજી તો માત્ર એક સાધન છે, જો વાર્તામાં ઈમોશન નહીં હોય તો ગમે તેટલા ગ્રાફિક્સ પણ ફિલ્મને બચાવી નહીં શકે.’

આજે લંકાને રિયલ બતાવવાની લાયમાં આપણી ફિલ્મી ભાષા કાવ્યાત્મકને બદલે માત્ર ટેક્નિકલ બની રહી છે.

જોખમ એ વાતનું છે કે ફિલ્મમાં વાર્તા કરતા તમાશો મોટો થઈ રહ્યો છે. જ્યારે ડિરેક્ટર પોતાની 80 ટકા શક્તિ લંડન કે હૈદરાબાદના VFX  એન્જિનિયર્સ સાથે એ વાતમાં ખર્ચે કે ડિજિટલ રથ પર લાઈટ બરાબર પડે છે કે નહીં, ત્યારે એક્ટરની નેચરલ એક્ટિંગ માટે જગ્યા બહુ ઓછી બચે છે. દેવતાનું પાત્ર ભજવે છે એ એકટર તે માત્ર એક ગ્રીન સ્ક્રીન સામે ઊભેલું પૂતળું બની જાય છે. ‘રામાયણ’ના ટીઝર પછી જોકે વિઝ્યુઅલ્સ અને વાર્તા બંનેમાં એક સરસ બેલેન્સ દેખાઈ રહ્યું છે. આપણને એ ઓમ રાઉતની ‘આદિપુરુષ’ની યાદ નથી અપાવતું એ સારું છે કે જ્યાં વધુ પડતી CGI પરની નિર્ભરતા ઊંધી પડી હતી અને દર્શકોને લાગ્યું હતું કે આમાં કોઈ ભાવ કે આત્મા જ નથી.

આ ભવ્યતાની રેસમાં આપણી ફિલ્મ્સનું પ્રોડક્શન હવે રિયલ સેટ્સને બદલે ધ વોલ્યુમ એટલે કે મોટી LED સ્ક્રીન્સ પર શિફ્ટ થઈ રહ્યું છે. પહેલા સંજય લીલા ભણસાલી જેવા સર્જકોના સેટ જોઈને ફિલ્મમાં બધુ રિયલ લાગતું. હવે પ્રશાંત નીલ અને જુનિયર NTR ની ફિલ્મ્સમાં જે દુનિયા બતાવવામાં આવે છે તે સર્વર રૂમમાં બનેલી હોય છે. મણિરત્નમે ‘પોન્નિયિન સેલ્વન’ વખતે બહુ સરસ વાત કહી હતી, ‘સિનેમા બે પાત્રો વચ્ચેની હવામાં રહેલા શ્વાસ જેવું છે. જો તમે એ હવામાં વધારે પડતો ડિજિટલ અવાજ ભરી દેશો તો દર્શકો તમારી સાથે શ્વાસ લેવાનું ભૂલી જશે.’

આ માયથોલોજિકલ આર્મ્સ રેસના કારણે હવે એવી ફિલ્મ્સ બને છે જે બધાને ગમે. પછી તે ટોક્યોનું બાળક હોય કે તમિળનાડુના અન્ના હોય. ગ્લોબલ વાહવાહી મળે, પણ આપણું પોતાપણું એમાં ખોવાઈ ન જાય એ જવાબદારી પણ ફિલ્મમેકર્સની રહે છે. આપણા દેવતાઓને પણ એવા બખ્તર પહેરાવીએ છીએ જે હોલિવૂડના સુપરહીરો જેવા લાગે તો એ ન ચાલે. હકીકત એ છે કે પૌરાણિક કથાઓ આપણી કલ્પનામાં જીવે છે. જ્યારે તમે દરેક ચમત્કારને ગ્રાફિક્સથી સાબિત કરવા જાવ, ત્યારે તમે દર્શકોની કલ્પનાશક્તિ છીનવી લો છો.

ઋષભ શેટ્ટીની ‘કાંતારા: ચેપ્ટર 1’ની સફળતા જુઓ. તેમાં ગ્રાફિક્સ છે પણ તેની સાચી તાકાત આપણી સંસ્કૃતિ અને એક્ટિંગમાં છે. શેટ્ટી હંમેશાં કહે છે કે ‘સાંસ્કૃતિક સચ્ચાઈ જ ફિલ્મનો આત્મા છે.’ જ્યારે દેવતાનો અંશ એક્ટરના ચહેરા પરના પરસેવા અને ભાવમાં દેખાય, ત્યારે લોકો તેનાથી જોડાઈ શકે છે. 2026માં લોકો ગ્રાફિક્સ જોઈને થાકી ગયા છે. VFX આર્ટિસ્ટ પીટ ડ્રેપરના મતે, ‘સૌથી શ્રેષ્ઠ ગ્રાફિક્સ એ છે જે તમને ખબર પણ ન પડે કે આ ગ્રાફિક્સ છે.’ પ્રશાંત નીલની ‘બઘીરા’માં જ્યારે ઈમોશનલ સીન આવે છે ત્યારે લોકો શાંત થઈ જાય છે, ડિજિટલ ધડાકા વખતે નહીં.

આખરે સવાલ એ જ છે કે આ ફિલ્મ્સ લાંબો સમય યાદ રહેશે? જ્યારે આપણે ‘મુગલે આઝમ’ યાદ કરીએ છીએ ત્યારે હજારો સૈનિકોની વાત નથી કરતા, પણ મધુબાલાની આંખોમાં રહેલા પ્રેમની વાત કરીએ છીએ.

આજે આપણી પાસે મશીન છે, પૈસા છે અને દુનિયાની શ્રેષ્ઠ વાર્તાઓ છે, પણ એ ડિજિટલ મહેલ બનાવવાની ઉતાવળમાં આપણે રાજાનું દિલ ન ભૂલી જઈએ તેનું ધ્યાન રાખવું પડશે. નિતેશ તિવારીનું કહેવું છે કે તેમની ‘રામાયણ’નાં પાત્રો લોકો પોતાની સાથે જોડી શકે તેવા હશે. જો તે આમાં સફળ થશે તો મનોરંજન દેવની કૃપાથી ટેકનોલોજી અને પરંપરાનો યર્થાથ સંગમ થશે!  

લાસ્ટ શોટ
‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવવા વિશે અભિનેતા યશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મેં આ પાત્ર તેની ભવ્યતા માટે નહીં , પણ તેની જટિલતા માટે પસંદ કર્યું છે. રાવણ એ માત્ર દસ માથાવાળો ગ્રાફિક્સ રાક્ષસ નથી.’