Sat Apr 25 2026

Logo

કૂમન: રોમાંચની રોલર કોસ્ટર રાઈડ ‘દૃશ્યમ’ ફેઈમ ડિરેકટર જીતુ જોસેફની ફિલ્મોમાં રહસ્ય અને રોમાંચ આબાદ વણાયેલાં રહે છે ...

2026-04-24 10:08:00
Author: Naresh Shah
Article Image

ફિલ્મનામા -નરેશ શાહ

માણસ માત્ર અપમાન સહન કરી લે પણ બેઈજજતી તેને ઝેરીલો ફુંફાડો મારવા ઉશ્કેરી શકે છે. જાહેરમાં થયેલો ફજેતો વ્યક્તિને ડિપ્રેસ કરી શકે અને એથી ઊલ્ટું પણ બને. ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો તેનો નિશ્ર્ચય એકાએક વિસ્ફોટક બની જાય ત્યારે કશુંક એવું બને કે જે કલ્પનાતીત લાગે.

તમિલનાડુ - કેરલની બોર્ડર પર આવેલાં નાનકડાં નગરમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતાં ગિરિશંકર સાથે બધું બરાબર ચાલી રહ્યું હતું. નાના ગામમાં ચાની ટપરી પર તેની કોન્સ્ટેબલી પર વ્યંગ કરનારાઓને જવાબ દેવાની બદલે એ મુંગા મોઢે તેમને જતા કરતો. બેશક, મનમાં દાઝ જમા થતી હતી. અમુક સ્થાનિક વ્યક્તિ પરની તેની ચીડના પોટલાં પર અંગારો ત્યારે ચંપાઈ છે જ્યારે નવા થાણા-ઈન્ચાર્જ ડ્યૂટી જોઈન કરે છે. એ ગિરિશંકરને નિગ્લેક્ટ કરે છે. 

કબડ્ડીના એક જાહેર કાર્યક્રમમાં ખેલાડીઓ વચ્ચે બબાલ થતાં ગિરિશંકર વચ્ચે પડે છે અને પોતાની મનમાની કરતાં લોકલ નેતાને છોડવવામાં થાણા ઈન્ચાર્જ ગિરિશંકરને કાદવમાં ધક્કો મારે છે. કાદવથી ખરડાયેલી હાલત અને ગામના લોકોનું ખિખિયાટા કરતાં હાસ્યની બેઈજજતી ગિરિશંકર માટે અસહ્ય થઈ જાય છે. પોતાનો ફજેતો કરનાર થાણા-ઈન્ચાર્જ અને પોતાના ઉપરી પોલીસ અધિકારીનો દાવ લેતા માટે ગિરિશંકર ગજબનો માર્ગ અખત્યાર કરે છે. ગામમાં ક્રાઈમ વધી જાય તો થાણા-ઈન્ચાર્જની આબરૂ જાય અને તેના પર પ્રેશર પણ વધે.

બસ. આ જ સોચ સાથે દિવસે પોલીસ કોન્સ્ટેબલ તરીકે કામ કરતો ગિરિશંકર રાતે ગામમાં ચોરી કરવા નીકળી પડે છે. છાશવારે થવા માંડેલી ચોરીથી થાણા-ઈન્ચાર્જને ઉપરથી ઠપકો મળે છે અને ચોરને પકડવા એ ઘાંઘો થાય છે. ગિરિશંકર મનોમન રાજી થાય છે પણ દેખાવ એવો કરે છે કે, એ પણ ચોરને પકડવા આતુર છે...

મલયાલમ ફિલ્મ ‘કૂમન’ (હિન્દી નામ: ધ નાઈટ વોચમેન)નો આ સ્ટાર્ટ પોઈન્ટ છે. પ્રથમ નજરે રસપ્રદ રીતે શરૂ થયેલી કૂતરાં-બિલાડા જેવી આ રમત અંત સુધી ચાલ્યા કરશે એવું આપણને લાગે પણ એ પછી આ કહાણીમાં થવા માંડતી હત્યાઓનો તડકો લાગે છે. ગિરિશંકરને એ તો ખબર છે કે થયેલી ચોરીઓ તો પોતે કરી છે પણ અચાનક આત્મહત્યાની જેમ થવા માંડેલી હત્યા પાછળનું કારણ શું છે? એ કોણ કરાવી રહ્યું છે...?

‘કૂમન’ ફિલ્મના ડાયરેકટર જીતુ જોસેફની આ કાયમી કમાલ રહી છે કે તેમની ફિલ્મમાં રોમાંચ અને રહસ્યનું દિલચસ્પ કોકટેલ દર્શકને મળતું રહે છે. જીતુ જોસેફને હવે આખું ભારત ‘દૃશ્યમ’ સિરીઝની ફિલ્મોથી ઓળખી ગયું છે. મલયાલી ભાષામાં બનેલી તેમની આ સિરીઝની ફિલ્મો હિન્દી સહિતની અનેક ભાષામાં રિમેક થઈ છે. દૃશ્યમ, ટવેલ્થમેન જેવી ફિલ્મો સુપરસ્ટાર મોહનલાલ સાથે બનાવ્યા પછી બનાવેલી ‘કૂમન’ ફિલ્મના લેખક તો કે. આર. ક્રિષ્નકુમાર છે, પણ જીતુ જોસેફ ફિલ્મ બનાવવાનું હાથમાં લે તો માની જ લેવાનું કે, એ ફિલ્મ સસ્પેન્સરથી ભરપૂર થ્રીલર જ હશે.

‘કૂમન’ ફિલ્મનો અંત શીરાની જેમ તરત ગળે ઊતરે એવો નથી, છતાં દર્શકને જીતુ જોસેફ છેલ્લે સુધી ખેંચી રાખે છે. ફિલ્મમાં ગિરિશંકરનું પાત્ર આસિક અલીએ ભજવ્યું છે. ગિરિશંકરનું પાત્ર ગ્રે શેડની ઝાંય ધરાવતું છે પણ રાઈટર-ડિરેકટરની એ કાબેલિયત રહી છે કે, ગિરિશંકર માટે દર્શકને અણગમો કે અભાવ નથી થતો. વાર્તાના તમામ વળાંક પર ગિરિશંકર આપણને વાજબી લાગે છે. સિનેમા કળા માટે એમ કહેવાય છે કે તે સતત સસ્પેન્સ જગાડવું સરળ છે પણ સસ્પેન્સ યા ઊભી થતી શંકાઓનું સમાધાન આપતાં - આપતાં નવા ભેદ સર્જતાં જવા એ બહુ અઘરો કસબ છે. ગિરિશંકરનું ચોરી કરતી વખતે પકડાઈ જવું, ખોટી વ્યક્તિને ચોર તરીકે રજૂ કરવો અને પછી, તેને જ ભગાડવો. પોતાને ચોર તરીકે જોઈ જનારાથી હતાશ થઈને ગામ છોડીને ભાગી છૂટવું અને એ જ ચશ્મદીદનું ઝાડ પર લટકી જવું... જીતુ જોસેફની અગાઉની સુપરહિટ ફિલ્મોમાં જોવા મળતી રોમાંચની રોલર કોસ્ટર રાઈડ જેવી ‘કૂમન’ અર્થાત ‘ધ નાઈટવોચમેન’ તમને યુ ટ્યૂબ પર જોવા મળી શકે છે.