ભુજ: અંજાર તાલુકાના મોખાણા ગામના રબારી દંપતીએ સનાતન ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે સમર્પણ દાખવી પોતાના વ્હાલસોયા પુત્રને મહેસાણાના તરભ ખાતે આવેલી સમાજની ગુરુગાદી વાડીનાથ મંદિર અખાડાના ચરણે અર્પણ કરવાનો અજોડ નિર્ણય લીધો છે. રબારી-વિહોતર સમાજની હાજરીમાં ભાવુક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે આ અર્પણવિધિ સંપન્ન થઈ હતી.
મોખાણાના રબારીવાસમાંથી 'જય હો વાડીનાથ મહારાજ' ના નારા સાથે રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે તરભ ખાતે પહોંચ્યા હતા. અહીં દેશભરના રબારી સમાજની આસ્થાના કેન્દ્રસમાન વાડીનાથ અખાડા ખાતે પિતા વિસાભાઈ કરમશી કારોતરા અને માતા સોનબાઈએ તેમના વ્હાલસોયા પુત્ર શ્રીયાંશને ધર્મના કાર્યો અર્થે સમર્પિત કર્યો હતો.
મંદિર પરિસરમાં સંતો અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં વાડીનાથ મહાદેવ મંદિર અખાડાના પિઠાધીશ્વર મહંત જયરામગિરિ બાપુએ બાળકનું 'શ્રીયાંશગિરિ મહારાજ' તરીકે નામકરણ કરી આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે મહંતશ્રીએ દંપતીના ત્યાગને બિરદાવતાં જણાવ્યું હતું કે, રબારી સમાજ સનાતન ધર્મના રક્ષણ, સેવા અને ત્યાગ માટે સદા તત્પર રહ્યો છે અને આ નિર્ણય સમગ્ર સમાજ માટે ગૌરવરૂપ છે.
(ઉત્સવ વૈદ્ય)