Thu Oct 08 2026

Logo

કચ્છની નગરપાલિકાઓ માટે ભાજપે ઉમેદવારો જાહેર, જૂના અને નવા ઉમેદવારોનો સમાવેશ

2026-04-10 22:11:32
Author: Chandrakant Kanoja
કચ્છની નગરપાલિકાઓ માટે ભાજપે ઉમેદવારો જાહેર, જૂના અને નવા ઉમેદવારોનો સમાવેશ

ભુજ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી 26મી એપ્રિલે રાજ્યની 15  મહાનગરપાલિકા, 84  નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260  તાલુકા પંચાયતો માટે મતદાન યોજાવાનું છે, જ્યારે 28 મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે.જેમાં સત્તાધારી ભાજપે કચ્છ જિલ્લાની મહત્વની નગરપાલિકાઓ માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ભુજ નગરપાલિકા માટે ભાજપે 42  ઉમેદવારોના નામ જાહેર

કચ્છના વડામથક ભુજ નગરપાલિકા માટે ભાજપે 42  ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વોર્ડ-1  માં સીમાં કુંભાર, વોર્ડ-4   માં ડોલી શાહ અને વોર્ડ-6  માં હિનાબા ઝાલાને ટિકિટ આપી મેદાને ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ, અંજાર નગરપાલિકાના તમામ 9 વોર્ડ માટે 36  ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. અંજારમાં વોર્ડ-5  માં હર્ષા ગોહિલ અને વોર્ડ-૮ માં કંચન બાંભણિયા પર પક્ષે પસંદગીનો કળશ ઢોળ્યો છે.

માંડવી નગરપાલિકામાં ભાજપે તમામ 9 વોર્ડમાં 36  ઉમેદવારો જાહેર કર્યા

બંદરીય શહેર માંડવી નગરપાલિકામાં ભાજપે તમામ 9 વોર્ડમાં 36  ઉમેદવારો જાહેર કર્યા છે. માંડવીમાં મહિલા પ્રતિનિધિત્વ પર ભાર મૂકતા વોર્ડ-3માં કુસુમ સોની, વોર્ડ-5 માં શોભના જોગી, વોર્ડ-7  માં ભારતી સોની અને વોર્ડ-9  માં નીતા ભાનુશાલીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

મુંદરા નગરપાલિકામાં 28 ઉમેદવારોના નામ નક્કી

મુંદરા નગરપાલિકાની વાત કરીએ તો, અહીં તમામ 7  વોર્ડમાં 28  ઉમેદવારોના નામ નક્કી કરાયા છે. મુંદરામાં વોર્ડ-૩ માં પૂજાબા રાઠોડ અને વોર્ડ-૫ માં રચના જોષીને ભાજપની ટિકિટ ફાળવવામાં આવી છે.બીજી તરફ, મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને રણનીતિ સાથે મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ પણ રાજ્યભરની બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે પોતાના જૂના અને પાયાના કાર્યકરો પર પસંદગી ઉતારી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ નવા ચહેરાઓ અને જનસેવકોને પ્રાધાન્ય આપીને મતદારોને આકર્ષવા પ્રયાસ કર્યો છે.

28 મી એપ્રિલે પરિણામો 

રાજ્યમાં ત્રણેય મુખ્ય પક્ષો પોતપોતાના મજબૂત ગઢ બચાવવા અને નવા વિસ્તારો કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉમેદવારોના નામો જાહેર થતા જ હવે પ્રચારના શ્રીગણેશ થશે. મતદારો કોના પર વિશ્વાસ મૂકે છે તે તો 28 મી એપ્રિલે પરિણામો બાદ જ સ્પષ્ટ થશે.

(ઉત્સવ વૈધ)