Thu Oct 08 2026

Logo

ગુજરાતના જૂનાગઢ અને અમરેલીમાં સીસીટીવી નેટવર્કનો વ્યાપ વધારાશે

2026-09-10 17:45:03
Author: Chandrakant Kanoja
ગુજરાતના જૂનાગઢ અને અમરેલીમાં સીસીટીવી નેટવર્કનો વ્યાપ વધારાશે

ગાંધીનગર: ગુજરાતમાં વિશ્વાસ( (VISWAS)પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સીસીટીવી કેમેરાના વ્યાપ અને સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા કેમેરા નેટવર્ક વધારવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ વિધાનસભા ગૃહમાં  કાયદા રાજ્ય મંત્રી  કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું.

અમરેલી જિલ્લામાં કુલ 316  સીસીટીવી કેમેરા

મંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ આજની સ્થિતિએ ફેઝ-2  અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કુલ 452 સીસીટીવી કેમેરા અને અમરેલી જિલ્લામાં કુલ 316  સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ આધુનિક સર્વેલન્સ નેટવર્ક અંતર્ગત મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળોને આવરી લેવાયા છે.

કેમેરાનું લાઈવ સિંક્રોનાઈઝેશન નેત્રમ અને ત્રિનેત્ર સાથે 

તમામ કેમેરાનું લાઈવ સિંક્રોનાઈઝેશન જિલ્લા કક્ષાના 'નેત્રમ' અને રાજ્ય સ્તરના 'ત્રિનેત્ર' સાથે જોડાયેલું હોવાથી ટ્રાફિક નિયંત્રણ, વાહનોનું ટ્રેકિંગ અને ગુના નિવારણમાં અને જાહેર સુરક્ષા વધુ સુનિશ્ચિત બની છે.