(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જાહેર ક્ષેત્રની કંપની ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (ઇરેડા)ના શેરમાં પાછલાં કેટલાક સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે; ૧૫ જુલાઈ ૨૦૨૪ના રોજ નોંધાયેલી રૂ. ૩૧૦ની સર્વકાલીન ઊંચી સપાટી સામે આ શેર ૬૦ ટકાથી વધુ ઘટ્યા છે. ગુરુવારે, પહેલી ઓક્ટોબરે, એનએસઇ પર આ શેર ૦.૬૧ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૧૧ પર બંધ થયો હતો.
આ ભાવે, આ પીએસયુ શેર તેની સર્વકાલીન ઊંચી સપાટીથી ૬૪ ટકા નીચે છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં આ સ્ટોક ૨૦ ટકા ઘટ્યો છે, જ્યારે પાછલા એક વર્ષમાં તેમાં ૨૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. જાહેર ક્ષેત્રની કંપનીના આ સ્ટોકે આ વર્ષે ૧૬ સપ્ટેમ્બરે રૂ. ૧૦૭.૪ની બાવન સપ્તાહની નીચી સપાટી અને ગયા વર્ષે ૧૫ ઓક્ટોબરે રૂ. ૧૫૮.૭૦ની બાવન સપ્તાહની ઊંચી સપાટી સ્પર્શી હતી.
એ નોંધવું રહ્યું કે, ઇરેડાના શેરનું ભારતીય શેરબજારોમાં લિસ્ટિંગ ૨૯ નવેમ્બર ૨૦૨૩ના રોજ થયું હતું, રૂ. ૧૧૧ના વર્તમાન બજાર ભાવે, તે તેની રૂ. ૩૨ની ઈશ્યુ પ્રાઈસ (પ્રારંભિક કિંમત) કરતા ૨૪૭ ટકા ઉપર છે. હવે ટોચના મેનેજમેન્ટ અંગે સરકારનો નિર્ણય જાણીએ.
કંપનીએ ગુરુવાર, પહેલી ઓક્ટોબરના રોજ કરેલી એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે નવી અને પુન:પ્રાપ્ય ઊર્જા મંત્રાલયે ઇરેડાના ડિરેક્ટર (ફાઇનાન્સ) ડો. બિજય કુમાર મોહંતીને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના પદનો વધારાનો હવાલો વધુ ત્રણ મહિના માટે સંભાળવાની મંજૂરી આપી છે. આ અમલ પહેલી ઓક્ટોબર ૨૦૨૬થી, અથવા નિયમિત અધિકારીની નિમણૂક થાય ત્યાં સુધી, અથવા આગળના આદેશો સુધી, જે પણ વહેલું હોય ત્યાં સુધી લાગુ રહેશે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ, વર્ષ દરમિયાન તેનો કર પછીનો નફો વાર્ષિક ધોરણે ૧૦ ટકા વધીને રૂ. ૧,૮૭૩ કરોડ થયો છે. કંપનીએ વર્ષ દરમિયાન અત્યાર સુધીની સૌથી વધુ રૂ. ૫૧,૮૮૩ કરોડની મંજૂરીઓ અને રૂ. ૩૪,૯૪૬ કરોડની રકમની ચુકવણી પણ નોંધાવી છે. કંપનીનું કુલ લોન પોર્ટફોલિયો રૂ. ૯૩,૦૬૯ કરોડ સુધી પહોંચ્યું હતું.