Thu Apr 23 2026

Logo

આઈપીએલ પ્લેઑફઃ ત્રણ ટીમોનું સ્થાન લગભગ નક્કી, ચોથા સ્થાન માટે ખરાખરીનો જંગ

2026-04-22 11:22:00
Author: Mayurkumar Patel
Article Image

નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગની 31 મેચ રમાઈ ચુકી છે.  10 ટીમો છ થી સાત મેચ રમી ચુકી છે. પ્લેઑફના સમીકરણ અને સિનેરિયોને સમજવા કઈ ટીમ કેટલા પોઈન્ટ મેળવીને ટોપ 4માં સ્થાન મેળવે તે જાણવું જરીરી છે. આઈપીએલની એક સીઝનમાં તમામ ટીમોને 14 મુકાબલા રમવાનો મોકો મળે છે. જે ટીમ 16 પોઈન્ટ મેળવે તેનું સ્થાન નક્કી થઈ જાય છે. આમ તો કોઈપણ ટીમ 14 પોઈન્ટ મેળવીને પણ પ્લેઑફમાં પહોંચી શકે છે, પરંતુ ત્યાં નેટ રન રેટ ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. 16 પોઈન્ટનો મતલબ ટીમે આઠ મેચ જીતવાની હોય છે, જો તેનાથી વધારે મેચ જીતે તો ફાયદામાં રહે છે.

પંજાબ પ્રથમ ક્રમે

અત્યાર સુધી રમાયેલા મુકાબલા પરથી પંજાબ કિંગ્સનું પ્લેઑફમાં સ્થાન નિશ્ચિત લાગી રહ્યું છે. પંજાબ અત્યાર સુધીમાં એક પણ મેચ હાર્યું નથી અને 11 પોઈન્ટ થઈ ચુક્યા છે. પ્લેઑફમાં પહોંચવા માટે તેણે વધુ ત્રણ જીતની જરૂર છે. ટીમની હજુ 8 મેચ બાકી છે. તેથી ત્રણ મેચ જીતવી તેમના માટે મુશ્કેલા કામ નથી.

આઈપીએલ 2026માં આરસીબી અને રાજસ્થાન રોયલ્સ પણ સારું પ્રદર્શન કરી રહી છે. જો કોઈ મોટો ઉલટફેર ન થાય તો પ્લેઑફમાં પણ તેમનું સ્થાન નક્કી છે. આરસીબી અને આરઆરના 8-8 પોઈન્ટ છે. બંને ટીમો છ-છ મેચ રમી છે અને આઠ મેચ બાકી છે. તેણે આઠ મેચમાંથી ચાર મેચમાં જીત મેળવવી પડશે. આ ત્રણેય ટીમો હાલ પ્લેઑફની દાવેદારી માટે સૌથી મજબૂત છે.

ચોથી ટીમની વાત કરવામાં આવે તો કંઈ કહી શકાય તેમ નથી. સનરાઈઝર્સે દિલ્હીને હકાવીને ત્રીજા સ્થાન પર કબજો કર્યો છે. સનરાઈઝર્સે સાત મેચ રમી છે, બાકીની જે ટીમો પાસે આઠ પોઈન્ટ છે તેઓ છ મેચ રમ્યા છે. 

દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ હાલ ભલે ટોપ-4થી બહાર હોય પરંતુ તેમની દાવેદારી પણ છે. બંને ટીમોએ તેમની આગામી બેથી ત્રણ મેચ સતત જીતવી પડશે, ઉપરાંત નેટ રન રેટ પણ સુધારવો પડશે. સીએસકે અને મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિ સારી નથી. તેમની પાસે ચાર-ચાર પોઈન્ટ છે. અહીંયાથી એક હાર પણ તેમની દાવેદારીને મોટો ફટકો લગાવી શકે છે. આઠમાંથી તેમણે ઓછામાં ઓછી છ મેચો જીતવી પડશે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પણ હજુ સુધી સત્તાવાર રીતે પ્લેઑફની રેસમાંથી બહાર નથી થઈ, પરંતુ એક હાર તેનો ખેલ ખતમ કરી શકે છે.

એકંદરે જોવામાં આવે તો પંજાબ કિંગ્સ, આરસીબી અને રાજસ્થાન રૉયલ્સની સ્થિતિ મજબૂત છે. ચોથા સ્થાન માટે સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે કાંટાની ટક્કર છે. સીએસકે અને મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઑફમાં પહોંચવા આકરી મહેનત કરવી પડશે.