પુડુચેરીઃ શુભમન ગિલની કૅપ્ટન્સીમાં ભારતની વન-ડે ટીમની આવતા મહિને ન્યૂ ઝીલૅન્ડમાં કપરી કસોટી થશે ત્યારે થશે, પણ એ પહેલાં ભારતની ધરતી પર ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં સ્ટાર બૅટ્સમેનોવાળી ઇન્ડિયા-એ ટીમ બિનસત્તાવાર વન-ડે શ્રેણીમાં ઑસ્ટ્રેલિયા-એ સામે ફ્લૉપ રહી છે, કારણકે શુક્રવારે ઇન્ડિયા-એ બૅક-ટુ-બૅક મૅચ હારી ગઈ હતી. નૅથન મૅકસ્વીનીના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયા-એ ટીમે ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી હતી.
અહીં ઇન્ડિયા-એ ટીમનો બીજી બિનસત્તાવાર વન-ડેમાં 69 રનથી પરાજય થયો હતો. મંગળવાર, છઠ્ઠી ઑક્ટોબરે શ્રેણીની પ્રથમ મૅચમાં ઇન્ડિયા-એનો 125 રનથી પરાજય થયો હતો. શુક્રવારે ઇન્ડિયા-એ (India-A)ને જીતવા 276 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પણ આ ટીમ પ્રવાસી ટીમના બોલર્સના પેસ અને બાઉન્સ સામે ઝૂકી ગઈ હતી. ઇન્ડિયા-એ ટીમ 206 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
ઑસ્ટ્રેલિયા-એ (Australia-A)ના આઠ બોલર સામે આ ભારતીય ટીમના ટોચના સાત બૅટ્સમેનમાંથી ફક્ત રજત પાટીદાર (82 બૉલમાં 67 રન) સારું રમ્યો હતો અને એકંદરે બૅટિંગ લાઇન-અપ લડત નહોતી આપી શકી. ઑસ્ટ્રેલિયા-એના ફાસ્ટ બોલર સ્પેન્સર જૉન્સન (ત્રણ વિકેટ), રાઇલી મેરેડિથ (બે વિકેટ) અને ભારતીય મૂળના સ્પિનર તનવીર સંઘા (બે વિકેટ) સૌથી સફળ રહ્યા હતા. બેન ડ્વારશુઇસ, માઇકલ ઑવેન અને નિખીલ ચૌધરીને એક-એક વિકેટ મળી હતી.
Australia A Won by 69 Run(s) #INDAvAUSA #IndiaASeries #2ndOneDay Scorecard:https://t.co/2rTDOUk451
— BCCI Domestic (@BCCIdomestic) October 9, 2026
સાઇ સુદર્શન (13 રન), દેવદત્ત પડિક્કલ (એક રન) અને ઋતુરાજ ગાયકવાડ (12 રન) સાવ સસ્તામાં આઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયન ટીમ માટે વિજયનો માર્ગ મોકળો થઈ ગયો હતો. વિકેટકીપર કુમાર કુશાગ્ર (17 રન), નિશાંત સિંધુ (13 રન) અને હાર્દિક પંડ્યાના સ્થાને ટીમમાં સમાવવામાં આવેલો સૂર્યાંશ શેડગે (10 રન) પણ સારું નહોતા રમી શક્યા. આઠમા ક્રમના વિપ્રજ નિગમે 23 રન અને આઠમા નંબરના અનુકૂલ રૉયે અણનમ 34 રનનું યોગદાન આપ્યું હતું જે ટીમને વિજય અપાવવા અપૂરતું હતું. એ પહેલાં, ઑસ્ટ્રેલિયા-એ ટીમ વતી બેન કૉન્સ્ટાસ (67 રન) અને જૉશ ફિલિપે (58 રન) ભારતીય બોલર્સ અર્શદ ખાન, યશ ઠાકુર વગેરેનો સમજદારીથી સામનો કર્યો હતો અને ટીમને 275 રનનો પડકારરૂપ સ્કોર અપાવ્યો હતો.
નવાઈની વાત એ છે કે કરોડો રૂપિયા અપાવતી આઇપીએલમાં મોટા સ્કોર સાથે છવાઈ જતા ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનો ઑસ્ટ્રેલિયા-એ સામે પાણીમાં બેસી ગયા હતા. સુદર્શને સિરીઝની પ્રથમ મૅચમાં એક રન બનાવ્યો હતો, જ્યારે પડિક્કલનો એમાં ઝીરો હતો અને કૅપ્ટન ગાયકવાડ ફક્ત 15 રન બનાવી શક્યો હતો.