Fri Oct 09 2026

Logo

ઑસ્ટ્રેલિયાનો કૅન્સર-મુક્ત નિક મૅડિન્સન 10 વર્ષે રમ્યો, 33મા બૉલ પર શૂન્યમાં આઉટ થયો...

Durban   2026-10-09 16:52:44
Author: Ajay Motiwala
ઑસ્ટ્રેલિયાનો કૅન્સર-મુક્ત નિક મૅડિન્સન 10 વર્ષે રમ્યો, 33મા બૉલ પર શૂન્યમાં આઉટ થયો...

(@bbctms/X)


ડરબનઃ ઑસ્ટ્રેલિયાનો 34 વર્ષની ઉંમરનો ઓપનિંગ બૅટ્સમૅન નિક મૅડિન્સન કૅન્સરની બીમારીને સફળતાપૂર્વક લડત આપીને 10 વર્ષે ફરી ટેસ્ટ-મૅચ રમવા મેદાન પર ઊતર્યો અને 32 બૉલ સુધી શૂન્ય પર જ ક્રીઝમાં રહ્યા પછી 33મા બૉલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેની વિકેટથી ઑસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓને અને ઑસ્ટ્રેલિયા તરફી પ્રેક્ષકોને આઘાત લાગ્યો હતો, પરંતુ મૅડિન્સને કર્કરોગની ગંભીર બીમારીને પરાજિત કર્યા પછી ફરી રમવાનું શરૂ કર્યું એ બદલ તેની હિંમતને સૌ કોઈએ દાદ પણ આપી હતી.

મૅડિન્સન ઑસ્ટ્રેલિયા વતી ત્રણ ટેસ્ટ રમ્યો છે અને સાઉથ આફ્રિકા સામે શુક્રવારે ડરબનમાં શરૂ થયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ તેની ચોથી ટેસ્ટ છે. આ પહેલાં તે 2016માં ત્રણ ટેસ્ટ રમ્યો હતો. તેણે નવેમ્બર, 2016માં સાઉથ આફ્રિકા સામે જ ટેસ્ટ-કારકિર્દી શરૂ કરી હતી અને ત્યારે પહેલી જ ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયો હતો. ત્યાર પછીની પાંચ ઇનિંગ્સમાં તે સારું નહોતો રમ્યો અને ત્યાર પછી તેને પેટમાં કૅન્સરની ગાંઠ થતાં તેણે સર્જરી કરાવવી પડી હતી તેમ જ કીમોથેરપીના સેશન્સના સંઘર્ષ પણ સહેવા પડ્યા હતા. કૅન્સર (Cancer) તેના પેટમાં તેમ જ ફેફસાંમાં ફેલાયું હતું, પણ હવે તે ઘણો સ્વસ્થ છે.

લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન મૅડિન્સનને શુક્રવારે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો યૅનસેને ક્લીન બોલ્ડ કર્યો હતો. હજી 17 રનના કુલ સ્કોર પર ટ્રૅવિસ હેડે વિકેટ ગુમાવી હતી અને 24 રનના કુલ સ્કોર પર મૅડિન્સન પણ પૅવિલિયન ભેગો થઈ ગયો હતો. 36મી ઓવરને અંતે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ચાર વિકેટે 107 રન હતો.

મૅડિન્સન (Maddinson)ને 2025માં ડૉક્ટરે ફરી રમવાની છૂટ આપી હતી અને તેણે ક્રિકેટના પૅશનને લીધે ધીમે-ધીમે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું શરૂ કર્યું અને ફરી ટેસ્ટ ક્રિકેટના સ્તર સુધી પહોંચી ગયો. તે ઑસ્ટ્રેલિયા વતી છ ટી-20 પણ રમ્યો છે. તેણે ફર્સ્ટ-ક્લાસ સ્તરની 129 મૅચમાં 18 સેન્ચુરી અને 36 હાફ સેન્ચુરીની મદદથી કુલ 7,832 રન બનાવ્યા છે.