નવી દિલ્હીઃ ભાજપના નેતા નિતિન નવીને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવો સાથે શુક્રવારે રાત્રે અચાનક બેઠક યોજી હતી. આશરે ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં, પક્ષ સામેના વર્તમાન પડકારો અને તેના દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલા કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. દિલ્હી ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાસચિવો સાથેની આ ચર્ચા દેશના યુવાનો સુધી પક્ષની પહોંચ વધારવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવેલી પહેલની સમીક્ષા કરવા અને તે અંગે પ્રતિસાદ મેળવવા પર કેન્દ્રિત હતી. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે CJP જંતરમંતર પર વિરોધ પ્રદર્શન કરવાની છે. કોંગ્રેસ કરતા આ કોક્રોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનની તીવ્રતા વધારે હોવાનું માનવામાં આવે છે.
ગ્રાઉન્ડ લેવલના પ્રતિસાદની ચર્ચા
આ બેઠકમાં ચૂંટણી પંચ અને SIR સામે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનો અંગેના ગ્રાઉન્ડ લેવલના કેટલાક પ્રતિસાદ પર ચર્ચા કરવામાં આવી.આ સાથે જ, ભાજપના મહાસચિવો અને પ્રભારીઓ/સહ-પ્રભારીઓ દ્વારા તેમને સોંપવામાં આવેલા રાજ્યોના પ્રવાસો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન, વિવિધ મહાસચિવો દ્વારા અલગ-અલગ રાજ્યોમાં કરવામાં આવેલી મુલાકાતો અંગે પ્રતિસાદ મેળવવામાં આવ્યો હતો. જે મહાસચિવોએ ખાસ કરીને પ્રભારીઓ અને સહ-પ્રભારીઓએ તેમને સોંપાયેલા રાજ્યોની હજુ સુધી મુલાકાત લીધી ન હતી, તેમને શક્ય તેટલી વહેલી તકે મુલાકાત લેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં વડા પ્રધાન મોદીના જનસેવાના 25 વર્ષના કાર્યક્રમોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
દિલ્હીના જંતર મંતર પર ૧૦ ઓક્ટોબરે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. ટ્રેન રદ કરવા અને મેટ્રો પ્રતિબંધો સામે નેતાઓએ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે. દિલ્હીમાં લાદેલા પ્રતિબંધો સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વધુ વિગતો માટે વીડિયો જુઓ.
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 9, 2026
બીજા ક્યા એજન્ડા પર ચર્ચા?
એકબાજું દેશના કેટલાક રાજ્યોમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એવા માહોલ વચ્ચે ભાજપની આ બેઠકને અનેક એવા દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. ભાજપે આ બેઠકની તસવીર પર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. નવી દિલ્હીમાં આવેલા ભાજપના હેડક્વાર્ટરમાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બીજા કેટલાક એક્શન પ્લાન અંગે પણ ચર્ચા વિચારણા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.