Thu Oct 08 2026

Logo

પંજાબની હારની હૅટ-ટ્રિક, હૈદરાબાદ નંબર-વન

2026-05-06 23:27:36
Author: Ajay Motiwala
પંજાબની હારની હૅટ-ટ્રિક, હૈદરાબાદ નંબર-વન

PTI


હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદે (20 ઓવરમાં 4/235) બુધવારે પૉઇન્ટ્સ-ટેબલના અવ્વલ ક્રમના પંજાબ કિંગ્સ (20 ઓવરમાં 7/202)ને 33 રનથી હરાવીને એના કબજામાંથી નંબર-વનનું સ્થાન આંચકી લીધું હતું. હૈદરાબાદ (Hyderabad) 14 પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે અને એક સમયે અપરાજિત રહ્યા બાદ હવે સતત ત્રીજી મૅચ હારેલું પંજાબ (Punjab) 13 પૉઇન્ટ સાથે બીજા સ્થાન પર ધકેલાયું છે. આ વખતે પંજાબના પ્રથમ સેન્ચુરિયન બનેલા ઑસ્ટ્રેલિયન ખેલાડી કૂપર કૉનોલી (107 અણનમ, 59 બૉલ, આઠ સિક્સર, સાત ફોર)ની લડાયક ઇનિંગ્સ એળે ગઈ. હૈદરાબાદના પૅટ કમિન્સ અને શિવાંગ કુમારે બે-બે વિકેટ તેમ જ નીતીશ રેડ્ડી, ઇશાન મલિન્ગા અને સાકિબે એક-એક વિકેટ લીધી હતી.

હૈદરાબાદે પંજાબ સામે 11મી એપ્રિલની હારનો બદલો લઈ લીધો છે. બન્ને ટીમ વચ્ચે રમાયેલી કુલ 26માંથી 18 મૅચ હૈદરાબાદે અને આઠ પંજાબે જીતી છે. છેલ્લા પાંચમાંથી ચાર મુકાબલામાં હૈદરાબાદની અને માત્ર એક મૅચમાં પંજાબની જીત છે.

BCCI

હિન્રિક ક્લાસેન (69 રન, 43 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) અને નીતીશ રેડ્ડી (29 અણનમ, 13 બૉલ, બે સિક્સર, બે ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 63 રનની ભાગીદારી તથા એ અગાઉ ક્લાસેન (Klassen) અને ઇશાન કિશન (પંચાવન રન, 32 બૉલ, ચાર સિક્સર, બે ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 88 રનની જે પાર્ટનરશિપ થઈ હતી એ પંજાબને ભારે પડી. અભિષેક શર્મા (35 રન, 13 બૉલ, ચાર સિક્સર, બે ફોર) અને ટ્રૅવિસ હેડ (38 રન, 19 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ના પણ હૈદરાબાદની ઇનિંગ્સમાં ઉપયોગી યોગદાન હતા.

BCCI

એ પહેલાં, હૈદરાબાદે ચાર વિકેટે 235 રન કર્યા હતા. અભિષેકે ટ્રૅવિસ હેડ સાથે 54 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. અભિષેકે 35માંથી 32 રન છગ્ગા-ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. તેણે લૉકી ફર્ગ્યુસનને આ સીઝનમાં પહેલી વિકેટ અપાવી હતી. તેના બૉલમાં અભિષેક મિડ-ઑફ પર શ્રેયસ ઐયરના હાથમાં કૅચઆઉટ થયો હતો. યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક અને અર્શદીપ સિંહને એક-એક વિકેટ મળી હતી, પણ માર્કો યેનસેન (4-0-61-0) સૌથી ખર્ચાળ સાબિત થયો હતો.