નિશા સંઘવી
આજના ઝડપી યુગમાં પ્રતીક્ષા કોઈને ગમતી નથી, પણ આરોગ્ય વીમામાં વેઇટિંગ પિરિયડ તો હોય જ છે. પોલિસી લેતી વખતે જ વીમાધારકને નિશ્ર્ચિત બીમારીઓના વેઇટિંગ પિરિયડની જાણ કરવામાં આવે છે. એ સમયગાળો પૂરો થયા બાદ જ ક્લેમ મળી શકે છે. વેઇટિંગ પિરિયડ માટે નિશ્ર્ચિત બીમારીઓની યાદી એક બાબત છે અને પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ (પોલિસી લેતાં પહેલાં થયેલી બીમારીઓ)ની યાદી બીજી બાબત છે, પણ વેઇટિંગ પિરિયડ બન્નેમાં લાગુ પડે છે.
અહીં જણાવવું રહ્યું કે ‘ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ (ઇરડાઈ)એ દરેક વીમા કંપનીને છૂટ આપી છે કે તે પોતપોતાના હિસાબે વેઇટિંગ પિરિયડ માટે નિશ્ર્ચિત બીમારીઓની યાદી બનાવે. જો કે, ઘણી બધી કંપનીઓની યાદીમાં જોવા મળતી સામાન્ય બીમારીઓ, કે જેમાં વેઇટિંગ પિરિયડ લાગુ પડે છે એ આ પ્રમાણે છે:
* હર્નિયા (સારણગાંઠ), પાઇલ્સ (હરસ-મસા), સાઇનસાઇટિસ અને ફિસ્ત્યુલા (ભગંદર) (વેઇટિંગ પિરિયડ 1થી 2 વર્ષ)
* મોતિયો, સાંધાનું પ્રત્યારોપણ કરાવવાની શસ્ત્રક્રિયા (ત્રણ વર્ષ સુધીનો વેઇટિંગ પિરિયડ)
* ફાઇબ્રોઇડ અને એન્ડોમેટ્રિઓસિસ જેવી ગાયનેકોલોજિકલ તકલીફો
* કિડની, પિત્તાશય કે મૂત્રનળીમાં પથરી
* કેન્સર સિવાયની ગાંઠ વેઇટિંગ પિરિયડની ‘ઇરડાઈ‘ની માર્ગદર્શિકા આ અનુસાર ...
* પ્રારંભિક વેઇટિંગ પિરિયડ: તમામ પ્રકારની બીમારીઓ (અકસ્માત સિવાયની) માટે 30 દિવસ
* પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝીસ માટેનો વેઇટિંગ પિરિયડ: મહત્તમ 3 વર્ષ (જે અગાઉ 4 વર્ષ હતો)
* નિશ્ર્ચિત બીમારીઓ: મહત્તમ 3 વર્ષ (અગાઉ સાંધાના પ્રત્યારોપણ જેવી કેટલીક પ્રોસિજર માટે વેઇટિંગ પિરિયડ 4 વર્ષનો હતો). વીમા કંપની ઇરડાઈની મંજૂરી વગર આ વેઇટિંગ પિરિયડ વધારી શકે નહીં.
* મોરેટોરિયમ પિરિયડ: વીમાધારક પાસે સતત પાંચ વર્ષ (અગાઉ આ મર્યાદા આઠ વર્ષની હતી) સુધી કોઈ આરોગ્ય વીમા પોલિસી હોય તો વીમા કંપની એમ કહીને ક્લેમ રિજેક્ટ ન કરી શકે કે પહેલેથી જાણકારી છુપાવાઈ હતી. જો કે, વીમાધારકે કોઇ છેતરપિંડી કરી હોય તો વાત જુદી છે.
ઉપરોક્ત માર્ગદર્શિકા રિન્યુ કરાવાયેલી જૂની અને નવી પોલિસી બન્નેને લાગુ પડે છે. ‘ઇરડાઈ’એ કહ્યું છે કે પોલિસીમાં અને પોલિસી વેચતી વખતે આપવામાં આવેલા દસ્તાવેજોમાં વેઇટિંગ પિરિયડ વિશે સ્પષ્ટપણે માહિતી આપવામાં આવી હોવી જોઈએ. આરોગ્ય વીમા પોલિસી લેતાં પહેલાં કેન્સર, એચઆઇવી/એઇડ્સ, અલ્ઝેઇમર્સ ડિસીઝ અને ક્રોનિક કિડની ડિસીઝ જેવી 16 અતિ ગંભીર બીમારીઓમાંથી કોઈ પણ થઈ હોય તો વીમાધારકને ક્યારેય એનો ક્લેમ મળતો નથી, અર્થાત્ એ કાયમી એક્સક્લુઝન હેઠળ આવે છે.
ક નિશ્ર્ચિત બીમારીઓ માટેનો વેઇટિંગ પિરિયડ પોલિસી શરૂ થાય એ દિવસથી અથવા તો પહેલી રિન્યુઅલ તારીખથી વેઇટિંગ પિરિયડ લાગુ થતો હોય છે. આ સમયગાળામાં જો નિશ્ર્ચિત બીમારીનું નિદાન થાય તો આરોગ્ય વીમાનો કોઈ ક્લેમ મળતો નથી અને વેઇટિંગ પિરિયડ પૂરો થઈ ગયો હોય તો પોલિસીમાં લખાયેલાં નિયમો અને શરતો અનુસાર સંપૂર્ણ કવરેજ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે, તમારી પોલિસીમાં લખાયું હોય કે મોતિયાની સર્જરી બે વર્ષના વેઇટિંગ પિરિયડ પછી જ ક્લેમને પાત્ર બનશે, તો એવી સ્થિતિમાં બે વર્ષની અંદર આવનારો ક્લેમ પાસ નહીં થાય. બે વર્ષ વીતી ગયા પછી એ ક્લેમ મળી શકશે. અહીં નોંધવું ઘટે કે એ બે વર્ષ પૂરાં થવા સુધી પોલિસી સતત ચાલુ રહેલી હોવી જોઈએ.
અહીં ખાસ જણાવવાનું કે ફેમિલી ફ્લોટર પોલિસીમાં વેઇટિંગ પિરિયડ પોલિસી હેઠળના તમામ સભ્યો માટે લાગુ પડે છે. એનો અર્થ એવો થયો કે ફેમિલી ફ્લોટરમાં કોઈ નવી વ્યક્તિનો ઉમેરો થાય તો અગાઉ પૂરો થયેલો વેઇટિંગ પિરિયડ નવા સભ્ય માટે પણ પૂરો થયેલો ગણાય.
* વેઇટિંગ પિરિયડ માટે શું ધ્યાન રાખવું?
* પોલિસીનાં નિયમો અને શરતો તથા શબ્દો બરોબર વાંચી લેવાં. નિશ્ર્ચિતપણે કઈ બીમારીઓ માટે કેટલો વેઇટિંગ પિરિયડ છે એ ચકાસી લેવું.
* આરોગ્ય વીમો નાની ઉંમરે જ લઈ લેવો, જેથી વેઇટિંગ પિરિયડ પણ જલદી પૂરો થઈ જાય.
* વેઇટિંગ પિરિયડ ઓછો હોય એવો પ્લાન લેવો. અમુક પ્રીમિયમ પ્લાનમાં અથવા ક્રિટિકલ ઇલનેસ રાઇડર્સમાં એક વર્ષનો વેઇટિંગ પિરિયડ હોય છે.
* પોલિસી સમયસર રિન્યુ કરાવી લેવી, જેથી કવરેજ અખંડ રહે અને વેઇટિંગ પિરિયડની ગણતરીમાં ખાડો પડે નહીં.
* સામાન્ય રીતે ક્રિટિકલ ઇલનેસ રાઇડર લેવામાં આવે તો સ્ટાન્ડર્ડ વેઇટિંગ પિરિયડ લાગુ થવાનો મુદ્દો રહેતો નથી, કારણ કે ક્રિટિકલ ઇલનેસનું નિદાન થાય કે તરત જ કંપની પાસેથી લંપસમ પેમેન્ટ મળી જાય છે.
ટૂંકમાં, વેઇટિંગ પિરિયડ બાબતે પહેલેથી જ પૂરેપૂરી સ્પષ્ટતા કરી લીધા બાદ આરોગ્ય વીમા પોલિસી લેવી.