અમદાવાદઃ ગુજરાત સરકારના ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં ગુજરાત રેન્ટ બિલ-2026 રજૂ કરવાની દરખાસ્ત છે. ભાડે રહેતા લોકો અને પોતાના ઘર કે વ્યાવસાયિક એકમોના માલિકો બન્નેની ભૂમિકાઓની સ્પષ્ટતા સાથેનુ બિલ રજૂ થશે. *મુંબઈ સમાચારે* આ અંગે ખાસ ટૉક શો કર્યો હતો.
આ બિલ અંગે મળતી વિગતો અનુસાર આ બિલમાં એક ખાસ રેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવશે. નવા કાયદા અનુસાર ભાડા કરાર લેખિત હોવો ફરજિયાત કરવાની જોગવાઈ છે અને તે રેન્ટ ઓથોરિટીને આપવાનો રહેશે. મકાનમાલિક સિક્યોરિટી ડિપોઝિટ પેટે ત્રણ મહિનાનું ભાડું લઈ શકશે, આ કરતા વધારે રકમ લઈ શકશે નહીં અને મકાન ખાલી થાય ત્યારે આપવાના રહેતા ડિપોઝિટના નાણા એક મહિનામાં પરત કરવાના રહેશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
કાયદો અમલમાં આવ્યા બાદ મકાનમાલિક અને ભાડૂતે નક્કી કરાયેલા નમૂનામાં આ કરાર અંગેની જાણકારી બે મહિનાની અંદર સંયુક્તપણે રેન્ટ ઓથોરિટી ને આપવી પડશે. આ હેતુ માટે એક ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. આ સહિતની અન્ય જોગવાઈઓ પણ આ નવા બિલમાં છે, જે ભાડૂઆત અને મકાનમાલિક બન્નેના રક્ષણ માટે બનાવવામાં આવી છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
શહેરી વિકાસ પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલ ગુજરાત ભાડા બિલ, ૨૦૨૬, ગુજરાત ભાડા, હોટેલ અને રહેઠાણ મકાન દર નિયંત્રણ અધિનિયમ, ૧૯૪૭ ને રદ કરવાનો અને તેને કરાર આધારિત ભાડા પ્રણાલી સાથે રિપ્લેસ પ્રસ્તાવ છે. ૨૦૨૬નો ગુજરાત બિલ નં. ૨૨, અમલમાં આવ્યા પછી તેને ગુજરાત ભાડા અધિનિયમ, ૨૦૨૬ તરીકે ઓળખવાનો પ્રસ્તાવ છે.
કાયદા હેઠળ બંને પક્ષકારોની જવાબદારીઓ સ્પષ્ટ કરવામાં આવી છે. જે મુજબ મકાનમાલિકે મકાનનું માળખાગત સમારકામ (સ્ટ્રક્ચરલ રિપેરિંગ), કલર-કામ, બારી-બારણાંનું રંગકામ, પાઇપલાઇનનું મોટું સમારકામ અને ઇલેક્ટ્રિક વાયરિંગની જાળવણી મકાનમાલિકે કરવાની રહેશે. જ્યારે નળ-વોશર બદલવા, ડ્રેનેજ સફાઈ, ગીઝર, શૌચાલય, સ્વિચ-સોકેટ, ઇલેક્ટ્રિક ઉપકરણો, રસોડાનાં ફિટિંગ્સ, બારી-બારણાંનાં તાળાં અને બગીચાની દૈનિક જાળવણી ભાડૂ તે કરવાની રહેશે.
મકાનમાલિકે મિલકતમાં પ્રવેશતા પહેલાં અગાઉથી જાણ કરવી પડશે; સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી પ્રવેશની મંજૂરી રહેશે નહી. ઉપરાંત, મકાનમાલિક ભાડુતની આવશ્યક સેવાઓ (પાણી, વીજળી વગેરે) બંધ કરી શકશે નહીં. માત્ર ભાડું ચૂકવવામાં વિલંબ થાય તો તરત મકાન ખાલી કરાવી શકાશે નહીં, પરંતુ જો સતત બે મહિના સુધી ભાડું ન ચૂકવાય તો ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરી શકાશે.
રેન્ટ ઓથોરિટીના વડા ડેપ્યુટી કલેક્ટર અથવા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરથી નીચા દરજ્જાના નહીં હોય. રેન્ટ કોર્ટનું નેતૃત્વ એડિશનલ કલેક્ટર કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી કરશે. આ માળખા હેઠળ કેસોનો સામાન્ય રીતે 60 દિવસમાં જ નિકાલ લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.