અમદાવાદઃ બાળ તસ્કરી કરતી મુરુગન ગેંગના સાગરિતોને ઝડપી પાડી ગુજરાત પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. ઑપરેશન દેવ હેઠળ આંતરારાજ્ય ગેંગનો પર્દાફાશ થયો હતો અને અપહરણ કરાયેલા ચાર વર્ષના બાળક દેવને પણ બચાવાયો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. બાળકનું છઠ્ઠી એપ્રિલે અપહરણ થયા બાદ અપહરણ બાદ, પોલીસે ૧૦ સમર્પિત ટીમો બનાવી અને ઓપરેશન દેવ નામની એક ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. ટેકનિકલ દેખરેખ અને સતત ફિલ્ડ ઓપરેશન કર્યા બાદ ગેંગના સાગરિતોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
સોમવારે, પોલીસે તેલંગાણા સ્થિત મુરુગન ગેંગના ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. આ ગેંગ મુરુગન ચલાવતો હોવાનું પોલીસનું માનવું છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર આ સિન્ડિકેટ ઓછામાં ઓછા આઠ નવજાત શિશુઓની તસ્કરી કરતી હતી, જેમાં બનાસકાંઠા અને મહારાષ્ટ્રમાં બે-બે, હૈદરાબાદમાં ત્રણ અને દિલ્હીના એક બાળકનો સમાવેશ થાય છે.રાજસ્થાનના એક દંપતીને ત્યાં જન્મેલા બાળકનું રેસ્ક્યુ કર્યા બાદ અને દાંતાના બે સ્થાનિક આરોપી શૈલેષ ગમાર અને બાબુ ભગારોની ધરપકડ કરવામાં આવ્યા બાદ આ તપાસ આગળ વધી હતી. તેમની પૂછપરછમાં બોડાશુ નાગરાજુ (32), ઉર્ફે મુરુગન બોડાશુ વેંકટી દ્વારા ચલાવવામાં આવતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ટેકનિકલ ઇનપુટ્સનો ઉપયોગ કરીને, એક ખાસ ટીમે મુરુગનને તેલંગાણાના કાગઝનગરમાંથી શોધી કાઢ્યો હતો. તેની સાથે તેના બે સાથીને પણ પોલીસે પકડી પાડ્યા હતા. ગેંગની મોડસ ઓપરેન્ડી સમજાવતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તપાસ હૈદરાબાદના આઈવીએફ કેન્દ્રોની આસપાસ મર્યાદીત હતી. મુરુગન અને તેની પત્ની, સુરકૃષ્ણવેણીએ કથિત રીતે નિઃસંતાન દંપતીને ટાર્ગેટ બનાવતી હતી. તે સિકંદરાબાદ, બંજારા હિલ્સ અને કુકટપલ્લીમાં અનેક આઈવીએપ ક્લિનિક્સના સંપર્કમાં હતી અને તેમને બાળકને જન્મ આપી શકે તેવી મહિલાઓ સાથે પણ સંપર્ક કરાવતી હતી. આ માટે મહિલાદીઠ તેમને રૂ. 5000 કે 6000 મળતા. ત્યારબાદ તેમણે આખુ નેટવર્ક અન્ય રાજ્યોમા ફેલાવ્યું અને તાજા જન્મેલા બાળકોની તસ્કરી શરૂ કરી અને બાળકદીઠ રૂ. 4થી 5 લાખ લેવાનું શરૂ કર્યું હતું. હવે પોલીસ આ રેકેટમાં વધુ તપાસ હાથ ધરી રહી છે.