ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બિન-સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી અનેક મહત્વની ભરતી પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી છે. આ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. જેમાં ગુનામાં સંડોવાયેલા દોષિતોને 7 થી 10 વર્ષ સુધીની જેલની સજા અને એક કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભામાં આજે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં પેપર લીકના આરોપીઓની ધરપકડનો પ્રશ્ન પૂછ્યો હતો.
શું સવાલ પૂછ્યો
અમદાવાદના દાણીલીમડાના કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછ્યું કે, તા.31/07/2026ની સ્થિતિએ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સરકાર / સરકારી એજન્સીઓ દ્વારા લેવામાં આવતી ભરતી પરીક્ષામાં પેપર લીકના કિસ્સાઓમાં કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી, કેટલા આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે, અને બાકી રહેલ આરોપીઓની ધરપકડ ક્યાં સુધીમાં કરવામાં આવશે?
સરકારે શું આપ્યો જવાબ
ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બે આરોપીની ધરપકડ બાકી છે. બાકી રહેલા આરોપીઓની ધરપકડ માટે તેઓના સગા-સંબંધીઓ તથા આશ્રય સ્થાનો અંગે તપાસ કરી બાતમીદારો દ્વારા હકિકત મેળવી ધરપકડની કાર્યવાહી જારી રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પેપર લીક વિધેયક અંતર્ગત જો કોઈ ઉમેદવાર ગેરરીતિમાં સામેલ હોય, તો તેને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને કાયમી ધોરણે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકાઈ શકે છે. તેમજ આ અંતર્ગત નોંધાતો ગુનો બિન-જામીનપાત્ર છે.