અમદાવાદઃ રાજ્યમાં ચાર મોટા શહેરોની મહાનગરપાલિકાની સહિત 393 પાલિકા-પંચાયત માટે આવતીકાલે મતદાન થશે. ગુજરાતમાં આગામી વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજાશે. આ સ્થિતિમાં આ ચૂંટણીને સત્તાની સેમીફાઈનલ તરીકે જોવામાં આવે છે. ગુજરાતમાં 15 કોર્પોરેશનની ચૂંટણી થઈ રહી છે પરંતુ રાજ્યના રાજકારણને પ્રભાવિત કરતાં 4 શહેરો પર તમામની નજર છે. જેમાં કોમનવેલ્શ ગેમ્સ સિટી અમદાવાદ, ડાયમંડ સિટી સુરત, સંસ્કારી નગરી વડોદરા અને રંગીલું રાજકોટ છે. આ ચારેય શહેરની મહાનગરપાલિકા પર ભાજપનો કબજો છે.
અમદાવાદમાં શું કોંગ્રેસ નેતા વિપક્ષનું પદ બચાવી શકશે?
2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી રહેલા અમદાવાદમાં કોંગ્રેસ વિપક્ષનું પદ બચાવી શકશે કે તેમ તેના પર નજર રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ સીટની સંખ્યા 192 છે. ગત ચૂંટણીમાં ભાજપને 159 સીટ મળી હતી. પરંતુ કોંગ્રેસ એઆઈએમઆઈએમની હાજરી છતાં નેતા વિપક્ષ માટે જરૂરી સીટ જીતવામાં સફળ રહ્યું હતું. કોંગ્રેસને કુલ 25 સીટ મળી હતી, જ્યારે ઓવૈસીના પક્ષને 7 સીટ મળી હતી. કોંગ્રેસે શહજાદ ખાન પઠાણને વિપક્ષ નેતા બનાવ્યા હતા. હવે આ ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ કેવો રહેશે તેના પર નજર છે.
સુરતમાં AAP ભૂતકાળનું કરશે પુનરાવર્તન?
2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 13 ટકાથી વધારે વોટ મેળવીને રાષ્ટ્રીય પક્ષ તરીકે AAPને સુરતથી એન્ટ્રી મળી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પેોરેશનમાં આપ દિલ્હી મૉડલના આધારે 17 સીટ જીતીને ચોંકાવી દીધા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ઘણું બદલાયું છે. આપે દિલ્હીમાં સત્તા ગુમાવી છે, પંજાબ-દિલ્હીમાં આપના 7 સાંસદોની બળવાથી પાર્ટી બેકફૂટ પર છે. આ સ્થિતિમાં સુરતમાં પાર્ટી જૂનું પ્રદર્શન યથાવત રાખશે કે કેમ તેના પર સૌની નજર રહેશે. સુરતમાં કુલ 120 સીટ છે, જેમાંથી ગત ચૂંટણીમાં ભાજપે 103 સીટ જીતી હતી. આમ આદમી પાર્ટીને 17 સીટ મળી હતી. કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી.
વડોદરામાં ભાજપ પકડ જાળવી રાખશે કે કેમ?
વડોદરા ગુજરાતની ત્રીજી સૌથી મોટી મહાનગરપાલિકા છે. ગત ચૂંટણીમાં ભાજપે 76 સીટમાંથી 69 સીટ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. જેનો શ્રેય તત્કાલિન શહેર અધ્યક્ષ ડૉ. વિજય શાહને આપવામાં આવ્યો હતો. 2024માં વિશ્વામિત્રીમાં પૂર, હરણી બોટ કાંડ અને વીએમસીમાં ભ્રષ્ટાચાર તથા ભાજપના બે કોર્પોરેટરના બળવાથી પક્ષની મુશ્કેલી વધી છે. આ ઉપરાંત મધુશ્રી વાસ્તવ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ ભાજપ માટે પડકાર બની શકે છે. આ સ્થિતિમાં શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીની સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા, સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયાની સાખ દાવ પર છે. કોંગ્રેસને ગત વખતે માત્ર 7 સીટ જ મળી હતી. નેતા વિપક્ષનું પદ પણ ગુમાવ્યું હતું. આ વખતે કોંગ્રેસ વિપક્ષ નેતાનું પદ મેળવી શકશે કે કેમ તેના પર નજર રહેશે. આ ઉપરાંત કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક જોશીનું ભવિષ્ય પણ નક્કી થશે.
શું રાજકોટમાં કોંગ્રેસ ભાજપને આપશે આંચકો?
રાજકોટ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે. અહીંયાની રાજનીતિ સમગ્ર સૌરાષ્ટ્રને પ્રભાવિત કરે છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ સીટની સંખ્યા 72 છે. ગત ચૂંટણીમાં ભાજપે અહીંયા 68 સીટ જીતી હતી. મે 2024માં રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ થયો હતો. ઉપરાંત લોકસભા ચૂંટણી સમયે ભાજપ નેતા પરસોત્તમ સોલંકીના નિવેદન પર ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો. આ વખતે કોંગ્રેસે નવા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજા, આરજે આભાને ટિકિટ આપી છે. સૌરાષ્ટ્રનો આ ગઢ બચાવવા ભાજપે પૂરતી તૈયારી કરી લીધી છે પરંતુ કોંગ્રેસ પણ આંચકો આપે છે કે તેની તે પરિણામના દિવસે જ ખબર પડશે.