Mon Apr 27 2026

Logo

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 57  ટકા મતદાન, 28 એપ્રિલના રોજ પરિણામ

2026-04-26 20:29:25
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાતમાં આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સામાન્ય છમકલાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે સરેરાશ અંદાજીત 57  ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં 15 મહાનગરપાલિકાઓમાં 49 ટકા,  84 નગરપાલિકાઓમાં 59 ટકા,  34 જિલ્લા પંચાયતોમાં 60.04 ટકા અને 260 તાલુકા પંચાયતોમાં 61. 15 ટકા જેટલું અંદાજીત મતદાન નોંધાયું હતું. 

આખરી કલાકમાં મતદાનની ગતિ વધી  

રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની 9237 બેઠકો માટે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું હતું. જેમાં પ્રથમ બે કલાકમાં મતદાન ધીમુ રહ્યું હતું. તેમજ તેની બાદ મતદાનના થોડો વેગ આવ્યો હતો. પંરતુ બપોરના સમયે આકરી ગરમીના લીધે મતદાન ગતિ ધીમી પડી હતી. જોકે, આખરી કલાકમાં મતદાનની ગતિ વધી હતી. તેમજ સાંજે છ વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ  મતદાન મથકો પર ઈવીએમ મશીનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

 28 એપ્રિલના રોજ  મતગણતરી

રાજ્યમાં 15  મહાનગરપાલિકાઓની કુલ 1001  બેઠકો પર ચૂંટણી લડી રહેલા 3145  ઉમેદવારોનું રાજકીય ભાવિ હાલ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે, જેનો આખરી ફેંસલો 28 એપ્રિલના રોજ  મતગણતરી બાદ જાહેર કરવામાં આવશે.

15  મહાનગરપાલિકાઓનામાં વાપીમાં 65.68  ટકા મતદાન

ગુજરાતની 15  મહાનગરપાલિકાઓનામાં વાપી 65.68  ટકા મતદાન સાથે રાજ્યમાં મોખરે રહ્યું હતું. નવસારીમાં 59.68  ટકા, મોરબીમાં 58.75  ટકા અને નડીયાદમાં 56.50 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે સુરત 52.83  ટકા, જામનગર 50.02  ટકા, અમદાવાદ અને રાજકોટમાં અનુક્રમે 45.35  ટકા અને 45.21  ટકા મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન ગાંધીધામમાં 39.85  ટકા નોંધાયું હતું, જ્યારે પોરબંદરમાં 41.67  ટકા અને સુરેન્દ્રનગરમાં 46.87  ટકા મતદાન થયું  હતું. 

નગરપાલિકાઓમાં સૌથી વધુ મતદાન નવસારી જિલ્લામાં 72.56  ટકા

નગરપાલિકાઓમાં સૌથી વધુ મતદાન નવસારી જિલ્લામાં 72.56  ટકા નોંધાયું હતું.  જ્યારે છોટા ઉદેપુરમાં 72.04  ટકા અને જામનગરમાં 71.53  ટકા મતદાન થયું હતું. વાવ-થરાદ અને વલસાડમાં પણ 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જ્યારે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ અને વડોદરામાં મતદાનની ટકાવારી 66 થી 69  ટકાની આસપાસ રહી હતી. બીજી તરફ, રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓમાં સૌથી ઓછું 41.76  ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે બોટાદમાં 48.42  ટકા અને જૂનાગઢમાં 49. 53  ટકા મતદાન થયું હતું.

જિલ્લા પંચાયતોમાં સરેરાશ અંદાજિત 60.4 ટકા મતદાન 

રાજ્યની 34 જિલ્લા પંચાયતોમાં સરેરાશ અંદાજિત 60.4 ટકા મતદાન થયું હતું. નર્મદા જિલ્લામાં સૌથી વધુ 80.66 ટકાના મતદાન નોંધાયું હતું. જ્યારે ડાંગમાં 77.01  ટકા અને તાપીમાં 75.33  ટકા, જ્યારે નવસારી, છોટા ઉદેપુર અને વલસાડમાં 65  થી 70  ટકાની વચ્ચે મતદાન નોંધાયું હતું. સુરતમાં 66.13 ટકા, વડોદરામાં  65.50  ટકા અને અમદાવાદમાં 65.40  ટકા, જ્યારે મહીસાગર, પાટણ અને કચ્છમાં મતદાનની ટકાવારી 58  ટકાની આસપાસ રહી હતી. સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં 43.37  ટકા નોંધાયું હતું, જ્યારે અમરેલીમાં 47.59  ટકા અને ભાવનગરમાં 48.37 ટકા મતદાન નોંધાયું હતું. 

260  તાલુકા પંચાયતોમાં અંદાજિત સરેરાશ 61.15 ટકા મતદાન

રાજ્યની 260  તાલુકા પંચાયતોમાં અંદાજિત સરેરાશ 61.15 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 80.67  ટકા નોંધાયું હતું. ડાંગમાં 77.17  ટકા અને તાપીમાં 75.41  ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું, જ્યારે છોટા ઉદેપુરમાં 69.45  ટકા અને વલસાડમાં 69.01  ટકા તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સરેરાશ 60 થી 65  ટકાની વચ્ચે મતદાન રહ્યું હતું, જેમાં અમદાવાદ 65.82  ટકા અને વડોદરા 66.37  ટકા નોંધાયું હતું.  બીજી તરફ, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મતદાનની ટકાવારી પ્રમાણમાં નીચી રહી છે, જેમાં પોરબંદર 44.63  ટકા સાથે સૌથી પાછળ છે, જ્યારે અમરેલીમાં 47.46  ટકા અને ભાવનગરમાં 51.03  ટકા મતદાન થયું હતું.