Sat Apr 25 2026

Logo

ગુજરાતમાં પરમિટ ધારકો માટે દારૂ મોંઘો; પોલીસ વિભાગે જાહેર કર્યું નવું ભાવપત્રક

2026-04-24 20:49:24
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

ગાંધીનગર:
ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ પરમિટ ધારકોને દારૂ મળી શકે છે. ગુજરાતમાં ખાસ કરીને બહારથી આવતા પ્રવાસીઓને અને સ્વાસ્થ્યના કારણોસર પરમિટ આપવામાં આવે છે. જો કે હવે પરમિટ ધારકોને પણ દારૂ લેવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે, કારણ કે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા વર્ષ 2026-27ના નાણાકીય વર્ષ માટે વિદેશી દારૂના નવા ભાવ નક્કી કરતું સત્તાવાર પત્રક જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં અગાઉના ભાવ વધારાની સરખામણીમાં આ વર્ષે કિંમતોમાં વધારો નોંધાયો છે. 

આ નવી ભાવસૂચિ મુજબ, રાજ્યમાં કુલ 801 પ્રકારના સ્પિરિટ, 226 પ્રકારના બીયર અને 636 પ્રકારના વાઇનના દર જાહેર કરાયા છે. આ ભાવપત્રકમાં 'બ્લુ લેબલ વ્હિસ્કી' જેવી પ્રીમિયમ બ્રાન્ડ્સના ભાવ રૂ. 20,000 થી વધુ અને કેટલીક અન્ય બ્રાન્ડ્સના ભાવ રૂ. 50,000 સુધી નોંધાયા છે. આ આદેશ 31 માર્ચ 2027 સુધી અમલમાં રહેશે. રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ અને જિલ્લા પોલીસ અધિક્ષકોને આ પત્રક મુજબ જ મુદ્દામાલની કિંમત આંકવાની સૂચના આપવામાં આવી છે. આ ફેરફારને કારણે રાજ્યની અધિકૃત લિકર શોપ્સ અને પરમિટ ધારકો માટે પણ દારૂની ખરીદીના દરોમાં ફેરબદલ જોવા મળશે.