Thu Apr 23 2026

Logo

લૂ થી બચવા શું કરવું? ગુજરાતમાં આરોગ્ય વિભાગે બહાર પાડી ગાઈડલાઈન

2026-04-22 15:57:44
Author: MayurKumar Patel
Article Image

ગાંધીનગરઃ હાલમાં રાજ્યમાં ઉનાળાની પ્રચંડ ગરમી અને હીટવેવના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. વધતા તાપમાન સામે સાવચેતી રાખવી અને હીટવેવની ગંભીર અસરોથી બચવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

ગરમીથી બચવા નાગરિકોએ આટલી સાવચેતી રાખવી: 

• બપોરે ૧૨:૦૦ થી ૪:૦૦ દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું.

• કામથી બહાર નીકળવાનું થાય ત્યારે માથા ઉપર ટોપી અથવા ભીનું કપડું રાખવું.  

• હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા, જે શરીરને ઠંડક આપે.

• વડીલો, બાળકો અને સગર્ભાઓની વિશેષ કાળજી લેવી અને તેમને ગરમીમાં સુરક્ષિત રાખવા.

• પુષ્કળ પ્રમાણમાં પાણી, છાસ, લીંબુ શરબત અને નાળિયેર પાણી જેવા પ્રવાહી પીણાનું સેવન કરવું.

• જો ચક્કર આવવા, ખૂબ તરસ લાગવી, માથાનો દુખાવો કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે કરવામાં આવેલી મુખ્ય તૈયારી: 

• માર્ગદર્શિકાનું પાલન: નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા નિર્ધારિત "ગરમી અને આરોગ્ય" અંગેની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તમામ જિલ્લા આરોગ્ય કેન્દ્રોને સૂચના આપવામાં આવી છે.

• સર્વેલન્સ અને તાલીમ: ૧ માર્ચ, ૨૦૨૬ થી ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) દ્વારા હીટસ્ટ્રોકના કેસોનું સઘન દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે જેથી દર્દીઓને ત્વરિત અને અસરકારક સારવાર મળી રહે.

• હીટ-હેલ્થ એક્શન પ્લાન: હવામાન વિભાગ (IMD) ની દૈનિક ચેતવણીઓને અનુસરીને તમામ જિલ્લાઓમાં 'હીટ-હેલ્થ એક્શન પ્લાન' કાર્યરત કરવામાં આવ્યો છે.

• હોસ્પિટલ સજ્જતા: તમામ સરકારી હોસ્પિટલોમાં પૂરતી માત્રામાં દવાઓ, IV ફ્લુઈડ્સ, ORS અને આઈસ પેકનો સ્ટોક સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.

• સમર્પિત હીટ સ્ટ્રોક રૂમ: દરેક જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પાંચ  અને દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બે બેડના સમર્પિત 'હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ'ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

• અગ્નિ અને વીજળી સુરક્ષા: ઉનાળામાં વીજળીનો વપરાશ વધતા હોસ્પિટલોમાં ઈલેક્ટ્રિક લોડ ઓડિટ કરવા, અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન કરવા અને વીજળીની અવિરત સપ્લાય જાળવવા નિર્દેશ અપાયા છે.