અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈના અધિકારીઓએ રાજસ્થાન (બિટ્સ પિનાલી), ગુજરાતના ગાંધીનગર અને કર્ણાટકમાં બે સિનિયર સિટિઝન એમ ચાર જણના ડિજિટલ અરેસ્ટ કેસમાં ત્રણ શખ્સની ધરપકડ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. લગભગ રૂ. 31.36 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં ગાંધનગરના મહિલા ડોક્ટર પણ પીડિતોમાંના એક હતાં.
દેશના 20 રાજ્યોમાં 89 સ્થળ ઉપર દરોડાની કામગીરી હાથ ધરીને ત્રણ જણાની ધરપકડ કરી કરવામાં આવી છે. દરોડા દરમિયાન સીબીઆઇના અધિકારીઓએ હરિયાણા અને કર્ણાટકના માસ્ટરમાઈન્ડ શખ્સોના બેન્ક ખાતામાં આવેલી રૂ. 2.75 કરોડની રકમ શોધી કાઢી છે. એટલું જ નહીં બેંક ખાતાઓમાં આવેલા રૂપિયાના ટ્રાન્જેક્શનના આધારે આ ત્રણ શખ્સોને શોધી કાઢવામાં આવ્યા છે. સીબીઆઇની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ભારતમાં ઓપરેટ કરતા સિન્ડિકેટના સભ્યોનું નેટવર્ક કંબોડિયાથી અને તેની આસપાસના નાના દેશોમાંથી ચલાવવામાં આવી રહ્યું છે. અંદાજે 5,000 જેટલા આવા કોલ સેન્ટર ચાલી રહ્યા છે. જેઓ ભારતના જુદા જુદા રાજ્યોમાં તેમના સિન્ડિકેટના સભ્યોની મદદથી સરકારી ખાતાઓના અધિકારીઓ અને સરકારી ખાતાના લેટરહેડનો ઉપયોગ કરીને સિનિયર સિટીઝનોને ડરાવી ધમકાવીને તેમની પાસેથી કરોડો રૂપિયા પડાવી રહ્યા છે.
સીબીઆઇના ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગરના મહિલા ડોક્ટરને માર્ચ 2025થી જુલાઈ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી જ્યોતિ નામની મહિલાએ ટેલિકોમ્યુનિકેશન વિભાગમાંથી વાત કરે છે તેવી રીતે ફસાવીને પૈસા પડાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ જુદા જુદા સરકારી વિભાગોના અધિકારીઓના નામો અને ઈડીના અધિકારી હોવાની ઓળખ આપીને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવશે તેવું કહીને ધરપકડ કરવાની નોટિસો પણ મોકલી હતી. આ અંગે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાઇબર સેલ દ્વારા દેશના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટ કેસમાં સુરતના બિઝનેસમેન લાલજી દલસાણીયાની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તબક્કાવાર રાજકોટમાંથી યશપાલ સિંહ ચૌહાણ, નાઝ ઈબ્રાહીમ, નિલેશ જમાન આમિર હુસેન, સાબીર હનીફ રસહિદ રમજાન પઠાણ ઈસ્માઈલ બચ્ચું કુંભિયા અને નિલેશ જમાનની ધરપકડ કરવામાં આવી હતી.
આ તમામ આરોપીઓ ગાંધીનગરની મહિલા ડોક્ટરના ડિજિટલ એરેસ્ટ કેસમાં સંડોવાયેલા હતા અને 35 જેટલા જુદા જુદા બેંક ખાતાઓમાં રોકડ રકમ, દાગીના અને એફડી તોડાવીને રૂપિયા જમા કરાવ્યા હતા અને ભારતમાં જ રૂપિયાનું મની લોન્ડરિંગ કર્યું હતું. આવી જ રીતે કર્ણાટક અને રાજસ્થાનના ડિજિટલ એરેસ્ટ કેસમાં પણ મેળવેલા રૂપિયાનું મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું અને આ રૂપિયા કંબોડિયાની સાઇબર ગેંગના ખાતાઓમાં પહોંચી ગયા હતા. ભારતમાં કંબોડિયાથી ચાલતા આવા કોલ સેન્ટરોના માધ્યમથી કરોડો રૂપિયા ભારત બહાર પહોંચી ગયા હોવાના દસ્તાવેજી પુરાવા પણ સીબીઆઈના દરોડામાં મળ્યા છે. સીબીઆઈએ દરોડાની કામગીરી કરી છે, તેમાં સૌથી મોટો ભારતનો કેસ ગુજરાતના ગાંધીનગરનો માનવામાં આવે છે. સીબીઆઇની કાર્યવાહી બાદ ડિજિટલ ફ્રોડ કેસમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરરેટ (ઈડી) દ્વારા પણ મની લોન્ડરીંગની તપાસ કરવામાં આવશે અને ભારત બહાર ટ્રાન્સફર થયેલા રૂપિયાની મદદથી વસાવેલી મિલકતો જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમ વધતા હોવાથી કેન્દ્રીય એજન્સીઓ વધુ સતર્ક થઈ રહી છે.