Sat Apr 25 2026

Logo

ગાંધીધામ: શિણાય ગામની સીમમાં પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જવાથી પિતા-પુત્રના કરુણ મોત, પરિવારમાં માતમ

2026-04-25 14:58:21
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ગાંધીધામ તાલુકાના શિણાય ગામની સીમમાં પાણી ભરેલા ઊંડા ખાડામાં નહાવા પડેલા પિતા અને પુત્રના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યાં હતા. પિતા-પુત્રના એક સાથે મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મહેસાણા જિલ્લાના ખેરાલુના વતની અને અહીં ચોકીદાર તરીકે ફરજ બજાવતા પિતાએ ડૂબતા પુત્રને બચાવવા જતાં બંને કાળનો કોળિયો બની જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, શિણાય નજીક આવેલા ભેડિયા વિસ્તારમાં આ કરુણાંતિકા બની હતી. મૂળ મહેસાણાના ખેરાલુના અને હાલ શિણાયની ખાનગી સોસાયટીમાં ચોકીદાર તરીકે નોકરી કરતા અલ્પેશ પુંજા બજરિયા (ઠાકોર) અને તેમનો ૨૨ વર્ષીય પુત્ર ગણેશ અલ્પેશ બજરિયા અન્ય પરિચિતો સાથે પાણી ભરેલા ખાડામાં નહાવા ગયા હતા તે દરમિયાન પુત્ર ગણેશ અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. પુત્રને બચાવવા માટે પિતાએ પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ કમનસીબે પિતા-પુત્ર બંને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખાડો અંદાજે ૩૦થી ૪૦.ફૂટ ઊંડો હોવાથી મૃતદેહોની શોધખોળ માટે ડોલ્ફિન કંપનીના નિષ્ણાત તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. અંદાજે સાડા ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ તરવૈયાઓએ પિતા-પુત્રના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

એકસાથે પિતા અને પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને શિણાય પંથકમાં શોકની લહેર પ્રસરી ગઈ હતી. ગાંધીધામ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(ઉત્સવ વૈદ્ય)