Thu Apr 23 2026

Logo

જાણીતા પાકિસ્તાની ક્રિકેટરનો ડ્રગ્સ-રિપોર્ટ પૉઝિટિવ, ટી-20 વર્લ્ડ કપનું ‘કાંડ' હવે બહાર આવ્યું!

Karanchi   2026-04-23 11:14:00
Author: Ajay Motiwala
Article Image

કરાચી: પાકિસ્તાન ક્રિકેટને માથે દશા બેઠી છે, એક પછી એક વિવાદાસ્પદ ઘટના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નો પીછો જ નથી છોડતી અને એમાં છેલ્લામાં છેલ્લો કિસ્સો ઑલરાઉન્ડર મોહમ્મદ નવાઝના ડ્રગ્સ (Drugs) ટેસ્ટને લગતો છે.

અમુક પ્રકારનું ડ્રગ્સ (કૅફીદ્રવ્ય) શરીરના સ્વાસ્થ્ય તથા શારીરિક ઊર્જા વધારવા માટે લેવામાં આવતું હોય છે, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના નિયમો હેઠળ જે ડ્રગ્સ પ્રતિબંધિત હોય એનું જો ક્રિકેટર દ્વારા જાણતાં-અજાણતાં સેવન કરવામાં આવે તો તેની સામે તપાસ થાય છે.

પાકિસ્તાનનો સ્ટાર ક્રિકેટર મોહમ્મદ નવાઝ આવા જ એક કિસ્સામાં સંડોવાયો છે. આ કિસ્સો તાજેતરમાં રમાઈ ગયેલા ટી-20 વર્લ્ડ કપ સમયનો છે અને નવાઝ એ ટૂર્નામેન્ટ દરમ્યાન અમુક પ્રકારના પ્રતિબંધિત કેફીદ્રવ્યનું સેવન કરીને રમ્યો હતો એવું તેના રિપોર્ટમાં જોવા મળતાં (રિપોર્ટ પૉઝિટિવ આવતાં) પીસીબીએ તપાસ શરૂ કરી છે.

32 વર્ષનનો નવાઝ (Nawaz) હાલમાં પાકિસ્તાન સુપર લીગમાં મુલતાન સુલતાન્સ ટીમ વતી રમી રહ્યો છે. પીસીબીએ જે તપાસ શરૂ કરી છે એનો નિષ્કર્ષ ન આવે ત્યાં સુધી તે ઇંગ્લૅન્ડની સરે કાઉન્ટીની ટી-20 બ્લાસ્ટ નામની આગામી ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લઈ શકે.

સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર કૅગિસો રબાડા ગયા વર્ષે આઈપીએલની થોડી મેચો રમ્યો હતો, પરંતુ તેણે અગાઉ અજાણતાં પ્રતિબંધિત કેફી દ્રવ્યનું સેવન કર્યું હોવાનું રિપોર્ટમાં આવતા તે આઈપીએલની બાકીની મૅચો નહોતો રમી શક્યો.

આ પ્રકારના રીક્રિએશનલ ડ્રગ્સનું સેવન કરનાર રબાડા પછી મોહમ્મદ નવાઝ બીજો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે.

પીસીબીએ હજી ગયા અઠવાડિયે જ નવાઝને સરે કાઉન્ટીની ટૂર્નામેન્ટમાં રમવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપ્યું હતું.

આ વર્ષની 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત-પાકિસ્તાનની ટી-20 વર્લ્ડ કપની જે મૅચ રમાઈ હતી એમાં મોહમ્મદ નવાઝે શિવમ દુબે (27 રન)ને રનઆઉટ કર્યો હતો. જોકે નવાઝને 28 રનમાં એક પણ વિકેટ નહોતી મળી અને ત્યાર બાદ તે ચાર રન કરીને કુલદીપ યાદવના બૉલમાં શિવમને કૅચ આપી બેઠો હતો.