Thu Oct 08 2026

Logo

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 21 સપ્ટેમ્બરથી ગુજરાતના પ્રવાસે!

2026-09-10 11:56:00
Author: Mumbai Samachar Team
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 21 સપ્ટેમ્બરથી ગુજરાતના પ્રવાસે!

ગાંધીનગરઃ નેશનલ ફિલ્મ એવોર્ડ કાર્યક્રમના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે, સમગ્ર કાર્યક્રમ દિલ્હીની બાહર યોજાશે. આ વખતે આ કાર્યક્રમ ગુજરાતના એકતાનગર ખાતે યોજાશે. આ માટેની તૈયારીઓ એકતાનગર ખાતે શરૂ થઈ ગઈ છે. વિશાળ ડોમ હેઠળ એકથી એક ચડિયાતા રંગારંગ કાર્યક્રમ યોજાશે, જેમાં હિન્દી-ગુજરાતી ફિલ્મોના સેલેબ્સ ખાસ ઉપસ્થિત રહેશે. ઈન્ડિયન સિનેમા માટે સર્વશ્રેષ્ઠ કહી શકાય એવો નેશનલ એવોર્ડ આ વખતે ગુજરાતના આંગણે યોજાઈ રહ્યો છે. તા.21થી 23 સપ્ટેમ્બરના સુધી ત્રણ દિવસીય મુલાકાતમાં તેઓ એક નેશનલ સેરેમનીમાં ખાસ ઉપસ્થિત રહેશે. 

કેબિનેટની બેઠકમાં થઈ ચર્ચા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં એમની સાથે ખાસ ઉપસ્થિત રહેશે. જાણીતા એક્ટર, પ્રોડ્યુસર, એક્ટ્રેસ, ટેક્નિશિયન અને ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જુદા જુદા કલાકારો-હસ્તીઓ એકતાનગર ખાતે આવશે. રાષ્ટ્રપતિ નેશનલ એવોર્ડ સિવાય પણ રાજ્યના કેટલાક મોટા અને અતિ મહત્ત્વના એવા કાર્યક્રમમાં હાજરી આપશે. એમની આ ગુજરાત મુલાકાતમાં નેશનલ એવોર્ડ સિવાય પણ અમુક એવા કાર્યક્રમો છે જેમાં તેઓ હાજરી આપવાના છે. ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમની ગુજરાત મુલાકાતને લઈને વિગતવાર ચર્ચા કરી હતી અને મહત્ત્વની જાણકારી પણ આપી હતી.  આ ઉપરાંત ચાલી રહેલી કેટલીક તૈયારીઓને લઈને વિસ્તારથી વાત કરી હતી. નેશનલ ફિલ્મ એવોર્ડ ફંક્શન અને રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 

સુવિધાઓ માટે તડામાર તૈયારીઓ શરૂ
આ માટે કેટલીક પાયાની સુવિધાઓ તથા જરૂરી એવી સાધન-સામગ્રીને લઈને કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમને યાદગાર બનાવવા માટે લાઈટિંગસ્થી લઈને લોજીસ્ટિક સુધીના તમામ જરૂરી એવા એપ્રોચ તથા મુદ્દાઓ પર કામ ચાલી રહ્યુ છે. આવનારા દિવસોમાં કલાકારોનો કાફલો ગુજરાત આવશે, પછી રાષ્ટ્રપતિ મુર્મુ પણ ગુજરાત આવશે. એકતાનગર ખાતે જુદા જુદા ઝોન તૈયાર કરવામાં આવી રહ્યા છે. બોલિવૂડ થીમ પર ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક સુવિધાથી લઈને સરળતાથી એપ્રોચ મળી રહે ત્યાં સુધીની સુવિધા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પહેલીવાર એવું બની રહ્યું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિશાળ આંગણામાં નેશનલ ફિલ્મ એવોર્ડની મહાઈવેન્ટ યોજાઈ રહી છે.