Sat Apr 25 2026

Logo

દેશના ટ્રાન્સપોર્ટ જગત માટે મુંદ્રાથી નવી પહેલ: ડ્રાઇવરો માટે દેશનું પ્રથમ આધુનિક સ્વાસ્થ્ય કેન્દ્ર કાર્યરત

2026-04-24 14:13:00
Author: Mumbaisamachar Team
Article Image

ભુજઃ  ભારતની અર્થવ્યવસ્થાના આધારસ્તંભ સમાન લાખો ટ્રક ચાલકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે મુંદ્રા ખાતેથી એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ થયો છે. મલ્ટીનેશનલ લોજિસ્ટિક કંપની ‘ડી પી વર્લ્ડ’ દ્વારા દેશના પ્રથમ અદ્યતન સ્વાસ્થ્ય કેન્દ્રનો મુંદરાથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું લક્ષ્ય દેશભરના ૧૦ લાખ ડ્રાઇવરોને લાભાન્વિત કરવાનું છે.

પ્રાગપર-ગાંધીધામ હાઇવે પર ભોરારા નજીક ૭૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ કેન્દ્રનું ઉદ્ઘાટન ડી પી વર્લ્ડ (સેન્ટ્રલ એશિયા સબકોન્ટિનેન્ટ) ના સીઈઓ અને એમ.ડી. રિઝવાન સુમરે કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “ટ્રક ચાલકો આપણી સપ્લાય ચેઇનનો જીવંત હિસ્સો છે. મુંદરાથી શરૂ થયેલું આ પ્રથમ કેન્દ્ર આગામી સમયમાં દેશભરમાં ૧૦ ગણું વિસ્તૃત કરવામાં આવશે. અમારો ઉદ્દેશ્ય માત્ર માળખાકીય વિકાસ જ નહીં, પરંતુ ડ્રાઇવર સમુદાયનો સામાજિક પ્રભાવ વધારવાનો પણ છે.”

આ કેન્દ્ર માત્ર મેડિકલ ચેકઅપ પૂરતું સીમિત નથી, પરંતુ તેને એક ‘રેસ્ટ સ્ટોપ’ અને ‘વેલબિઇંગ હબ’ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં ડ્રાઇવરોને આરોગ્ય સહાય, આરામની સુવિધા અને મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે. પ્લાન ઇન્ટરનેશનલ ઇન્ડિયાના સહયોગથી આ પહેલમાં ડ્રાઇવરોની સાથે તેમના પરિવાર અને સ્થાનિક સમુદાયને પણ સાંકળવામાં આવશે.

ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના સેક્રેટરી જનરલ નવીન ગુપ્તાએ આ પહેલને બિરદાવતા કહ્યું કે, “ડ્રાઇવરો ઘણીવાર મુશ્કેલ સ્થિતિમાં અને અપૂરતા આરામ વચ્ચે કામ કરે છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે. આ કેન્દ્ર તેમના યોગદાનને માન્યતા આપે છે.” જ્યારે પ્લાન ઇન્ડિયાના ડિરેક્ટર મોહમ્મદ આસિફે આ પ્રોજેક્ટને ટ્રક ચાલકો માટે ‘એસેન્શિયલ સર્વિસ હબ’ ગણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ડી પી વર્લ્ડ મુંદ્રાના સીઈઓ આલોક મિશ્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ પણ આપ્યો હતો. મુંદ્રામાં રોજ હજારો ટ્રકોની અવરજવર થતી હોવાથી આ કેન્દ્ર હજારો ડ્રાઇવરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. 

(ઉત્સવ વૈદ્ય)