Tue Oct 06 2026

Logo

ગુજરાતના આ જિલ્લામાં છેલ્લે છેલ્લે વરસાદની તોફાની બેટિંગ, 1 કલાકમાં 4 ઇંચ વરસાદથી આખો વિસ્તાર પાણી પાણી

2026-09-23 09:06:00
Author: Mayur Patel
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લે છેલ્લે વરસાદની તોફાની બેટિંગ, 1 કલાકમાં 4 ઇંચ વરસાદથી આખો વિસ્તાર પાણી પાણી

ગીર સોમનાથઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે વરસાદે તોફાની બેટિંગ કરી હતી. ગીર સોમનાથના ઉનામાં 1 કલાકમાં 4 વરસાદથી આખો વિસ્તાર પાણી પાણી થયો હતો. ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરના સમયે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને 1 કલાકમાં 4 વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 

ઉના શહેરમાં સિઝનનો કેટલો વરસાદ

આ ધોધમાર વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વ્યાપક વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર સન્નાટો છવાઈ ગયો હતો. ગઈકાલે બપોર થતા જ આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા હતા અને વરસાદ તૂટી પડ્યો હતો. ઉના શહેરમાં સિઝનનો કુલ 30 ઇંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે.

ઉનાના  ત્રિકોણબાગ, શાકમાર્કેટ, આનંદ બજાર અને લુહાર ચોકમાં પાણી ભરાતા સ્થાનિકો અને દુકાનદારોને હાલાકી પડી હતી. સ્થાનિકોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી હતી.

રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો

ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસતા ખેતરોમાંથી પાણી વહેતા થયા હતા. ભાદરવામાં અષાઢી માહોલ જોવા મળતા નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ હતી. થોડા સમયમાં જ અનરાધાર વરસાદ વરસતાં શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના માર્ગો પર જાણે કે નદી વહેતી હોય એમ પાણી વહેવા લાગ્યું હતું. જેમાં કેટલોક સામાન આ રીતે તરતો તરતો તણાતો જોવા મળ્યો. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી. ઉના શહેર ઉપરાંત કેસરિયા, ભેભા અને સનવાવમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, ગીર સોમનાથમાં સિઝનનો સરેરાશ 62.54 ટકા વરસાદ વરસ્યો છે. ગીર ગઢડામાં 45.04 ટકા, કોડિનારમાં 52.55 ટકા, સૂત્રાપાડામાં 72.09 ટકા, તાલાલામાં 49.11 ટકા, ઉનામાં 87.79 ટકા અને પાટણ-વેરાવળમાં 71.46 ટકા વરસાદ વરસ્યો છે.