Mon Oct 05 2026

Logo

ગાંધીનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર, ‘સુવિધા નહીં તો ટેક્સ નહીં’ સહિતના વાયદા

2026-10-01 22:33:35
Author: Mumbai Samachar Team
ગાંધીનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર, ‘સુવિધા નહીં તો ટેક્સ નહીં’ સહિતના વાયદા

CHat GPT Generated Image


ગાંધીનગર:  ગાંધીનગરના રાજકીય સમીકરણોમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા ફેરફારો થવાના એંધાણ વર્તાય રહ્યા છે. રાજકીય ગરમાવા વચ્ચે ગાંધીનગરમાંથી ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો.  કોંગ્રેસ પાર્ટીએ વિકાસ અને નાગરિકોના મૂળભૂત અધિકારોને કેન્દ્રમાં રાખીને મહત્ત્વાકાંક્ષી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ગાંધીનગરને દેશનું નંબર વન ગ્રીન, ક્લીન અને આધુનિક નગર બનાવવાની નેમ સાથે મેદાનમાં ઉતરેલી કોંગ્રેસે શહેરીજનોના જીવનધોરણને વધારે સુધારવા માટેના વાયદા કરાયા છે. આ સાથે અનેકવિધ લોકઉપયોગી ઘોષણાઓ કરી છે, જેમાં રોજગારી, શિક્ષણ, આરોગ્ય અને કર રાહતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

ગ્રીન સિટી બનાવા અભિયાન

ગાંધીનગરને પર્યાવરણની દ્રષ્ટિએ પુનઃ દેશનું નંબર વન ગ્રીન કેપિટલ બનાવવા માટે કપાયેલા વૃક્ષોના બદલામાં પચાસ લાખ નવા વૃક્ષોનું વાવેતર અને જતન કરવાનો મહત્ત્વનો સંકલ્પ લેવાયો છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતા પદાર્થો પર પ્રતિબંધ મૂકીને ઇકો-ફ્રેન્ડલી પેકિંગને પ્રોત્સાહન અપાશે. પેથાપુર નજીક આવેલી હાલની ડમ્પિંગ સાઈટને માનવવસ્તીથી દૂર અન્યત્ર ખસેડીને શહેરીજનોને પ્રદૂષણ મુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવશે. હકીકત એવી પણ છે કે, ડપિંગ સાઈટને લઈ અનેકવાર સ્થાનિકો પણ રજૂઆત કરી ચૂક્યા છે.  મહિલા સશક્તિકરણ અને સુરક્ષાના મોરચે 'પિંક વ્હીલ્સ' અંતર્ગત મહિલાઓ માટે ખાસ પિંક બસ સેવા શરૂ કરવાની ઘોષણા કરાઈ છે, જેમાં તેમની મુસાફરી તદ્દન નિઃશુલ્ક રહેશે. મહિલાઓની સ્વાવલંબન યાત્રાને વેગ આપવા માટે કરાટે તાલીમ, મહિલા માલિકીની મિલકતો પર પ્રોપર્ટી ટેક્સમાં 50 ટકા રાહત, સેનેટરી પેડ વિતરણ કેન્દ્રો અને મહિલાઓ માટે વિશિષ્ટ જેન્ડર બજેટની જોગવાઈ કરવામાં આવી છે. 

આ જ ક્રમમાં સિનિયર સિટીઝનો માટે 24 કલાકની હેલ્પલાઇન, મફત આરોગ્ય તપાસણી કેન્દ્રો અને સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપીને તેમના વૃદ્ધાવસ્થાના દિવસોને ચિંતામુક્ત બનાવવાનો પ્રયાસ કરાયો છે. નવા સમાવિષ્ટ વિસ્તારો અને ગામડાઓમાં શહેરી સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તેને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રાખવાની બાંહેધરી આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્ટાર્ટઅપ શરૂ કરતા યુવા સાહસિકોને પાંચ વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની અને પ્રોપર્ટી ટેક્સ પરનું વ્યાજ 18 ટકાથી ઘટાડીને માત્ર 5 ટકા કરવાની જાહેરાતથી મધ્યમ વર્ગ અને વેપારી વર્ગને મોટી રાહત મળશે.