Wed Oct 07 2026

Logo

મુંબઈગરાને રખડતા શ્ર્વાનોના ત્રાસથી મળશે રાહત

2026-10-07 11:17:35
Author: Sapna Desai
મુંબઈગરાને રખડતા શ્ર્વાનોના ત્રાસથી મળશે રાહત

સાર્વજનિક સ્થળેથી પકડાયેલા રખડતા શ્ર્વાનોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
 મુંબઈના સાર્વજનિક સ્થળોએ રખડતા શ્ર્વાનોના ત્રાસથી મુંબઈગરાને જલદી રાહત મળે એવી શકયતા છે. સાર્વજનિક સ્થળેથી પકડાયેલા રખડતા શ્ર્વાનો માટે એક નવી સિસ્ટમ અમલમાં મૂકવાની પાલિકા  યોજના બનાવી રહ્યું છે. આ યોજના હેઠળ નસબંધી અને રસીકરણ બાદ શ્ર્વાનોેને પાછા તે જ વિસ્તારમાં છોડવાને બદલે નિર્ધારિત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવશે.

આ પ્રસ્તાવિત વ્યવસ્થામાં સ્કૂલ, કૉલેજો, હૉસ્પિટલો, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, બસ સ્ટેશનો અને ડેપો, આંતર-રાજ્ય બસ ટર્મિનલ અને રેલવે સ્ટેશનોની આસપાસ મળી આવતા શ્ર્વાનોનો સમાવેશ થાય છે.  પાલિકા પ્રશાસન શ્ર્વાનના આશ્રય, ખોરાક, રસીકરણ, તબીબી સારવાર અને અન્ય સંભાળ માટે પ્રતિ શ્ર્વાન દીઠ દિવસના ૧૫૫ રૂપિયા ચૂકવશે. પાલિકાએ ‘એનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઈન્ડિયા’ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા ‘જેનિસ સ્મિથ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ’ સાથે બે વર્ષના કરારનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કરારનો અંદાજિત ખર્ચ ટૅક્સ સહિત ૧૩.૩૫ કરોડ રૂપિયા છે, જેમાં વાર્ષિક ખર્ચ આશરે ૫.૬૬ કરોડ રૂપિયા થવાની ધારણા છે.

આશ્રયસ્થાનો (શેલ્ટર હોમ)માં ખસેડતા પહેલા રખડતા શ્ર્વાનની નસબંધી અને રસીકરણ કરવામાં આવશે અને ત્યાં તેઓ તેમના બાકીના જીવનકાળ દરમ્યાન સંભાળ હેઠળ રહેશે. નિયુક્ત સંસ્થા પ્રાણીઓની નોંધણી કરવા તેમ જ ખોરાક, પાણી, તબીબી સારવાર, રસીકરણ, સ્વચ્છતા અને અન્ય દૈનિક સંભાળ પૂરી પાડવા માટે જવાબદાર રહેશે.

પાલિકાએ માન્યતા પ્રાપ્ત પ્રાણી કલ્યાણ સંસ્થાઓ પાસેથી અરજીઓ મગાવ્યા બાદ આ સંસ્થાની પસંદગી કરી છે.  પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ ટ્રસ્ટ પંચગનીમાં શ્ર્વાનોે માટેનું આશ્રયસ્થાન ચલાવે છે અને વસઈ, વિરાર, સફાલે અને કલ્યાણ-ડોમ્બિવલીમાં ‘એનિમલ બર્થ કંટ્રોલ’  કેન્દ્રો ચલાવવાનો અનુભવ ધરાવે છે.

આ પગલું સંવેદનશીલ જાહેર સ્થળોએ રખડતા શ્ર્વાન અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસરીને લેવામાં આવ્યું છે. પાલિકાના ઉચ્ચ  અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં પાલિકા દ્વારા પકડવામાં આવેલા શ્ર્વાનોને નસબંધી અને રસીકરણ માટે તેના સાત  કેન્દ્રમાંથી કોઈ એકમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ તેમને તે જ વિસ્તારમાં પાછા છોડી દેવામાં આવે છે. પ્રસ્તાવિત પૉલિસી હેઠળ ચોક્કસ સંવેદનશીલ સ્થળોએથી પકડાયેલા શ્ર્વાનોે માટે અપવાદ રાખવામાં આવશે. તેમને પાછા છોડવાને બદલે નિર્ધારિત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવશે.

દેખરેખ માટે સંસ્થાએ જીપીએસ-આધારિત રેકોર્ડ્સ, ફોટોગ્રાફિક લોગ્સ અને ડિજિટલ રિપોર્ટ જાળવવા પડશે, જેમાં દરેક શ્ર્વાનને પકડવાથી લઈને આશ્રયસ્થાન સુધી પહોંચાડવા સુધીની વિગતો ટ્રેક કરવામાં આવશે. આશ્રયસ્થાનોએ નિયમિત સફાઈ અને જંતુનાશક પ્રક્રિયા ઉપરાંત દિવસમાં ઓછામાં ઓછા બે વાર પૌષ્ટિક ખોરાક, તબીબી રીતે જરૂરી હોય ત્યાં વિશેષ આહાર, પીવા માટે શુદ્ધ પાણી, હવાની અવરજવર (વેન્ટિલેશન), છાંયડો અને આરામ માટે સુરક્ષિત જગ્યાઓ પૂરી પાડવી આવશ્યક રહેશે. 

આ વ્યવસ્થા શરૂઆતમાં બે વર્ષ માટે અમલમાં રહેશે. આ સમયગાળો લંબાવવા અંગેનો નિર્ણય આશ્રય આપવામાં આવેલા શ્ર્વાનોની સંખ્યા, થયેલો ખર્ચ, સંસ્થાની કામગીરી અને પાલિકા સંચાલિત આશ્રયસ્થાનોની ઉપલબ્ધતાની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવશે.

બોક્સ
મુંબઈમાં શ્ર્વાનની સંખ્યા


મુંબઈમાં રખડતા શ્ર્વાનોની અંદાજિત વસ્તી જે એક દાયકા પહેલાં ૯૫,૧૭૨ હતી, તેમાં ઘટાડો થઈને  ૨૦૨૪માં  ૯૦,૭૫૭ થઈ ગઈ હતી. ૧૯૯૪ અને ઑગસ્ટ ૨૦૨૫ વચ્ચે મુંબઈમાં ૪.૩૪ લાખ રખડતા શ્ર્વાનોની  નસબંધી કરવામાં આવી હતી. પાલિકાના આંકડા મુજબ ૨૦૧૭ સુધીમાં ૧.૫૩ લાખથી વધુ શ્ર્વાનની નસબંધી કરવામાં આવી હતી.