Wed Oct 07 2026

Logo

અમદાવાદમાં ફરી સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની ધમકી, દિલજીત દોસાંઝના પ્રોગ્રામમાં ન જવાની સલાહ

2026-10-07 18:02:48
Author: Pooja Shah
અમદાવાદમાં ફરી સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની ધમકી, દિલજીત દોસાંઝના પ્રોગ્રામમાં ન જવાની સલાહ

અમદાવાદઃ શહેરમાં ફરી સ્કૂલને નિશાન બનાવી બૉમ્બથી ઉડાડી દેવાનો ઈમેલ મળ્યો હતો. આને કારણે વાલીઓ અને સ્કૂલ સંચાલકોમાં ચિંતામાં મૂકાયા હતા. અમુક સ્કૂલ બંધ કરવામા આવી હતી. વાલીઓને ચાલુ સ્કૂલમાંથી બાળકને લઈ જવાની સૂચના આપવામાં આવી હતી. આવી ધમકી સ્કૂલ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ મળી હતી. અહીં સિંગર-એક્ટર દિલજીત દોસાંઝનો કોન્સર્ટ છે અને તેમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. 

મળતી વિગતો અનુસાર ધમકી આપનારાઓએ, અમદાવાદ ગુજરાત બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાદ' લખીને મેઈલ કર્યો હતો. જેમાં ગુજરાતની સ્કૂલને 11:11એ ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને 1 નવેમ્બરે જેએલએન સ્ટેડિયમ દિલ્હીને ઉડાડવાની ધમકી મળી છે. આ બન્ને જગ્યાએ દિલજીત દોસાંઝના કોન્સર્ટ યોજવામાં આવ્યા છે. 

અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિસને પણ ઉડાડી દેવાની ધમકી મળી હતી. ધમકી મળતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જ્યારે કોર્પોરેશનની સિક્યુરિટી ઓફિસ દ્વારા તમામ લોકોનું ચેકિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે કચેરીએ આવતા તમામ મુલાકાતીઓની તપાસ કરવામાં આવી હતી. 

સ્કૂલોને ધમકી મળતા જ શિક્ષણ કચેરી એકશનમાં આવી હતી અને સ્થાનિક પોલીસને જણાવવા અને બાળકોને વાલીઓને સોંપવા જણાવ્યું હતું. જોકે આ રીતે પોતાના સંતાનોને લેવા આવનારા માતા-પિતાએ જણાવ્યું હતું કે અમને બાળકોની ચિંતા થાય છે. જોકે આ પહેલીવાર નથી કે શહેરમાં એક સાથે ઘણી જાણીતી સ્કૂલોને આ રીતે ધમકી મળી હોય. અગાઉ પણ સ્કૂલો, કોર્ટ, સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ ઈમેલ દ્વારા મળતી રહે છે. સદનસીબે કોઈ શંકાસ્પદ સામગ્રી મળતી નથી, પરંતુ પોલીસ તંત્ર, સ્થાનિક તંત્ર અને સામાન્ય જનતા કામે લાગી જાય છે અને મુશ્કેલીમાં મૂકાઈ જાય છે.