Wed Oct 07 2026

Logo

જામનગરમાં સરકારી સસ્તા અનાજનો કાળો કારોબાર ઝડપાયો: 3000 કિલો ઘઉં ભરેલા વાહન સાથે 5 શખ્સો દબોચાયા

2026-10-07 18:48:02
Author: Mumbai Samachar Team
જામનગરમાં સરકારી સસ્તા અનાજનો કાળો કારોબાર ઝડપાયો: 3000 કિલો ઘઉં ભરેલા વાહન સાથે 5 શખ્સો દબોચાયા

જામનગર: જામનગર શહેરમાં ગરીબો માટે ફાળવવામાં આવતા સરકારી સસ્તા અનાજના શંકાસ્પદ જથ્થાની ગેરકાયદે હેરફેરનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. સિટી બી ડિવિઝન પોલીસની ટીમે વહેલી સવારે પાણાખાણથી બેડી બંદર તરફ જતા રોડ પરથી 3000 કિલો ઘઉંના શંકાસ્પદ જથ્થા સાથે 5 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

વિગતવાર માહિતી મુજબ, સિટી બી ડિવિઝન પોલીસની ટીમ વહેલી સવારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાણાખાણથી બેડી બંદર તરફ જઈ રહેલા શંકાસ્પદ વાહન (નંબર GJ-10-AT-4747)ને અટકાવી તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી અંદાજે 3000 કિલોગ્રામ ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો સરકારી સસ્તા અનાજનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે શંકાસ્પદ ઘઉંનો જથ્થો તેમજ વાહન સહિત કુલ રૂ. 6,15,520નો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ સમગ્ર પ્રકરણમાં અનાજનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં વધુ તપાસ માટે પોલીસે જિલ્લા પુરવઠા વિભાગને સત્તાવાર જાણ કરી હતી. પુરવઠા વિભાગની તપાસ બાદ આ રેકેટમાં અન્ય મોટા માથાંઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.