(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં પ્રવેશ માટેની ડુપ્લિકેટ ટિકિટો છાપીને વેચવામાં આવતી હોવાનું જણાતાં પોલીસે એકની ધરપકડ કરી હતી, જ્યારે સૂત્રધાર ફરાર હોવાથી તેની શોધ હાથ ધરી હતી.કસ્તુરબા માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ આકાશ રવીન્દ્ર સરદાર (31) તરીકે થઈ હતી. સરદારે આ બનાવટી ટિકિટો ગણેશ ઠાકુર નામના શખસ પાસેથી પ્રાપ્ત કરી હતી. પોલીસ ઠાકુરની શોધ ચલાવી રહી છે.
પોલીસ ફરિયાદ અનુસાર ફોરેસ્ટ અધિકારી શિવરાજ ઉગલે (31) નૅશનલ પાર્કમાં ડ્યૂટી પર હતો ત્યારે એક પર્યટક તેની પાસે આવ્યો હતો. નૅશનલ પાર્કના ગેટ પાસેથી તેમને ફાટેલી ટિકિટ આપવામાં આવી હોવાની ફરિયાદ પર્યટકે કરી હતી. ઉગલેએ પર્યટક પાસેના એન્ટ્રી પાસને ધ્યાનથી જોતાં તેને શંકા ગઈ હતી.ઉગલેએ તરત જ ટિકિટ કાઉન્ટર પર તપાસ કરતાં એ ટિકિટ કાઉન્ટર પરથી લેવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું હતું.
નૅશનલ પાર્કમાં પ્રવેશનારા પર્યટકોની લાઈન હતી. લાઈનમાં ઊભા ન રહેવું પડે તે માટે પર્યટકે ત્યાં સરદાર પાસેથી ટિકિટ ખરીદી હતી. સરદાર ગેટ નજીક ઊભો રહીને ટિકિટ વેચતો હતો એટલે પર્યટકને તે નૅશનલ પાર્કનો કર્મચારી હોવાનું લાગ્યું હતું.ઉગલેએ તરત જ અન્ય કર્મચારીઓની મદદથી સરદારને પકડી પાડી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં સરદારે પોલીસને જણાવ્યું હતું કે ઠાકુર પાસે ડુપ્લિકેટ ટિકિટ છાપવાનું મશીન અને સૉફ્ટવેર છે, જેની મદદથી તે આ ટિકિટો તૈયાર કરતો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.