Sat Apr 25 2026

Logo

કચ્છના પાસપોર્ટ અરજદારો માટે મોટા સમાચાર: ભુજમાં ફરી ‘મોબાઈલ પાસપોર્ટ વાન’ કાર્યરત

2026-04-24 13:09:00
Author: Mumbaisamachar Team
Article Image

AI Image


ભુજઃ ઉનાળાની રજાઓ અને વિદેશ અભ્યાસ માટે જવાની સીઝન ખીલતાની સાથે જ કચ્છમાં પાસપોર્ટની માંગમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. જિલ્લામાં પાસપોર્ટ મેળવવા માટે ૪૦ થી ૫૦ દિવસ સુધી રાહ જોવી પડતી હોવાથી અરજદારોને પડતી મુશ્કેલી નિવારવા પ્રાદેશિક પાસપોર્ટ કચેરી (RPO) દ્વારા ભુજમાં ફરી એકવાર મોબાઈલ પાસપોર્ટ વાન સેવા શરૂ કરવામાં આવી છે.

ભુજની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ગત ૨૨ એપ્રિલથી આ મોબાઈલ વાન સેવાના વિશેષ કેમ્પનો પ્રારંભ થયો છે. આ સેવા ત્રણ દિવસ સુધી કાર્યરત રહેશે જેમાં દરરોજ અંદાજે ૫૦ અરજદારો મુજબ ત્રણ દિવસમાં કુલ ૧૫૦ અરજદારોની કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે.

મોબાઈલ વાન દ્વારા દસ્તાવેજોની ચકાસણી, બાયોમેટ્રિક ડેટા લેવા અને ફોટોગ્રાફી જેવી પ્રક્રિયા સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, દેશના બીજા નંબરના સૌથી મોટા જિલ્લા કચ્છમાં પાસપોર્ટ મેળવવા માટે લાંબા સમયથી વેટિંગ લિસ્ટની સમસ્યા સતાવી રહી છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જવા ઈચ્છે છે અને જે પરિવારો ઉનાળુ વેકેશનમાં વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે, તેમના માટે સમયસર દસ્તાવેજો તૈયાર ન થતા ચિંતા વધી હતી. 

આ મોબાઈલ વાન સેવા આવતા વેકેશનના સમયમાં બાળકોના પાસપોર્ટ કઢાવવા માંગતા વાલીઓને પણ મોટી સુવિધા મળી છે. રણપ્રદેશ કચ્છમાંથી વિદેશ જનારા લોકોનું પ્રમાણ ઘણું મોટું છે, જેના કારણે સ્થાનિક પાસપોર્ટ સેવા કેન્દ્ર પર હંમેશા ભારણ રહે છે. હાલમાં ૪૦ થી ૫૦ દિવસની એપોઇન્ટમેન્ટ પ્રક્રિયાને કારણે અનેક લોકોના વિઝા અને ફ્લાઇટ બુકિંગ અટવાયેલા રહે છે. પ્રાદેશિક પાસપોર્ટ કચેરીના આ પ્રયાસથી થોડા અંશે વેટિંગ લિસ્ટમાં ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી છે. 

(ઉત્સવ વૈદ્ય)
..