Thu Oct 08 2026

Logo

નવનિર્મિત ગોપાલપુર રેલવે સ્ટેશને 7 ટ્રેનોને સ્ટોપેજ મંજૂર: ૧૯ સપ્ટેમ્બરથી ધમધમશે

2026-09-04 11:55:00
Author: Mumbai Samachar Team
નવનિર્મિત ગોપાલપુર રેલવે સ્ટેશને 7 ટ્રેનોને સ્ટોપેજ મંજૂર: ૧૯ સપ્ટેમ્બરથી ધમધમશે

ભુજઃ ગાંધીધામ રેલવે સ્ટેશને ટ્રેનનું એન્જિન રિવર્સ કરવાની પ્રક્રિયામાં બગડતો એક કલાક જેટલો નોંધપાત્ર સમય બચાવવા માટે નવનિર્મિત કરાયેલું ગોપાલપુર સ્ટેશન આગામી ૧૯મી સપ્ટેમ્બરથી ધમધમતું થશે. ભુજથી આવતી-જતી કુલ સાત મહત્વપૂર્ણ ટ્રેનોને ગોપાલપુર ખાતે થોભવા માટે રેલવે તંત્ર દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.

રેલવેના જન સંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ, સયાજીનગરી એક્સપ્રેસ (૨૦૯૦૭/૨૦૯૦૮), ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ (૧૨૯૫૯/૧૨૯૬૦), બાંદ્રા-ભુજ એસી સુપરફાસ્ટ (૨૨૯૦૩/૨૨૯૦૪), ભુજ-પુણે એક્સપ્રેસ (૧૧૦૯૧/૧૧૦૯૨), ભુજ-શાલીમાર સુપરફાસ્ટ (૨૨૮૨૯/૨૨૮૩૦) અને નવી શરૂ થનારી અમદાવાદ-ભુજ ‘નમો ભારત રેપિડ રેલ’ (૯૪૮૦૧/૯૪૮૦૨) સહિતની ટ્રેનોને ગોપાલપુર સ્ટેશને ૧૫ મિનિટ સુધીનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

આ નવા સ્ટેશનના પ્રારંભથી ગાંધીધામ સ્ટેશન પરનું ભારણ ઘટશે અને મુસાફરોનો મુસાફરી સમય પણ બચશે. આ ફેરફારના કારણે અન્ય કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં પણ આંશિક સુધારો કરવામાં આવ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)