Thu Oct 08 2026

Logo

ભચાઉ પોલીસ અને PGVCLનું સંયુક્ત અભિયાન: હત્યા, પોક્સો અને રાયોટિંગના ૨૦ આરોપીઓના વીજ કનેક્શન કાપી નાંખ્યા

2026-09-08 11:41:00
Author: Mumbai Samachar Team
ભચાઉ પોલીસ અને PGVCLનું સંયુક્ત અભિયાન: હત્યા, પોક્સો અને રાયોટિંગના ૨૦ આરોપીઓના વીજ કનેક્શન કાપી નાંખ્યા

ભુજ: ભચાઉ શહેર અને તાલુકામાં ખૂન, અપહરણ, પોક્સો અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ૨૦ જેટલા માથાભારે આરોપીઓ સામે પોલીસે વીજ વિભાગને સાથે રાખીને વિવિધ ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ પોતાના રહેણાક મકાનો પર મેળવેલાં વીજ કંપનીના ગેરકાયદે વીજ જોડાણો (લંગર) કાપી નાખવામાં આવ્યા છે.

વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જે માથાભારે તત્વો સામે કાર્યવાહી કરતાં અચકાતા હતા, તેમની સામે પૂર્વ કચ્છ પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આ મહાઅભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમના વીજ જોડાણો કાપવામાં આવ્યા છે તેમાં ખૂન કેસના આરોપી મેહુલ લાખા કોલી (કોલિયાસરી), ભાવેશ ચતુર દેવીપૂજક અને અજય દેવીપૂજક (મદિનાનગર) તેમજ હત્યાની કોશિશના આરોપી નાસિર દાઉદ રાજા (માનસરોવર), અરવિંદ મગન બારોટ, સુરેશ બારોટ અને દેવુબેન બારોટ (ભટ્ટપાળિયા) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પોક્સો અને અપહરણના ગુનામાં સંડોવાયેલા અજય ઊર્ફે અજીયો બાબુભાઈ મહેશ્વરી તથા હરી નારાયણ કોલી અને રાયોટિંગના ૧૧ આરોપીઓ અયુબ સિધિક કુંભાર, રમજુ કરીમ ધોના, અનવર હુસેન, નાઝીર રમજાન, અકરમ ધોના, વસીમ ધોના, ભચલશા સૈયદ (તમામ હિંમતપુરા), ગફુર કુંભાર, મુસ્તાક કુંભાર અને રફીક અબ્દુલ (માનસરોવર) ના મકાનોના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. પોલીસની આ આકરા પગલાં ભરેલી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં હાલ સોંપો પડી ગયો છે.

ઉત્સવ વૈદ્ય