Mon Apr 27 2026

Logo

આ કારણે રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 60 ટકાનો તોતિંગ ઘટાડો, મંદિર પ્રશાસને કરી ખાસ ગોઠવણ...

2026-04-26 19:21:25
Author: Darshna Visaria
Article Image

અયોધ્યામાં સતત પડી રહેલી ભીષણ ગરમી અને લૂની અસર હવે રામલલાના દરબારમાં પણ જોવા મળી રહી છે. તાપમાનનો પારો સામાન્ય કરતાં ઘણો ઉપર જતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના પગલે મંદિર ટ્રસ્ટ અને નગર નિગમ દ્વારા ભક્તો તેમજ પ્રભુ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ચાલો નજર કરીએ આ નવી વ્યવસ્થા પર... 

ગરમીને કારણે અયોધ્યામાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, છતાં જે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તેમની સુવિધા માટે મંદિર પ્રશાસન હાઈ-ટેક વ્યવસ્થાઓ કરી રહ્યું છે. વાત કરીએ અયોધ્યાના રામલલ્લાના મંદિરે દર્શન કરવા માટે આવનારા ભક્તો માટે કરવામાં આવેલી નવી વ્યવસ્થા વિશે તો સામાન્ય દિવસોમાં દરરોજ એક લાખથી વધુ ભક્તો આવતા હતા, જે સંખ્યા હવે ઘટીને ચાળીસ હજારથી પણ ઓછી થઈ ગઈ છે.

અયોધ્યા નગર નિગમ દ્વારા રામ પથ અને આસપાસના વિસ્તારોમાં સ્પ્રિંકલર મશીનો દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય રામ મંદિર ટ્રસ્ટે ત્રણ હજાર ભક્તોની ક્ષમતાવાળો અત્યાધુનિક એર કંડીશન્ડ વેઈટિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે જેથી ભક્તોને ગરમીથી રાહત મળે.

આ ઉપરાંત સતત વધતી જતી ગરમીને ધ્યાનમાં લેતા રામલલાને ધરાવવામાં આવતા ભોગમાં પણ ફેરફાર કરવામાં  છે. હવે દરરોજ લસ્સી, ફળોનો રસ અને ખાસ કરીને કેરીનો રસ અર્પણ કરવામાં આવે છે. સોનાના પાત્રમાં મધ, દહીં, ઘી અને જળનું વિશેષ મિશ્રણ પણ ધરાવવામાં આવે છે.

ભગવાન રામલલ્લાની પ્રતિમાને ગરમી ન લાગે એ માટે ગર્ભગૃહમાં કુલર લગાવવામાં આવ્યા છે. પ્રભુને હવે રેશમી કે જાડા વસ્ત્રોને બદલે હળવા સુતરાઉ વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ઠંડા જળથી સ્નાન કરાવવામાં આવે છે.