અમદાવાદઃ અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે આશરે રૂ. 634 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાં 1.5 લાખથી વધુ લોકોને ટૂંકા ગાળામાં અસાધારણ વળતરના વચનો આપીને મોબાઇલ એપ્લિકેશન એસડી પે અને અપના પે દ્વારા રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હોવાના અહેવાલ છે.પોલીસે આ કથિત કૌભાંડના સંબંધમાં સુરત, ગાંધીનગર, મહેસાણા અને અન્ય સ્થળોએથી છ આરોપીની ધરપકડ કરી હતી.
ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અને માહિતી ટેકનોલોજી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, અને વધુ તપાસ ચાલુ છે, તેવી માહિતી પોલીસસૂત્રોએ આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ કથિત રીતે રૂ. 1,000 થી રૂ. 25,000 સુધીના રોકાણ પર દૈનિક વળતરનું વચન આપીને એપ્લિકેશન ચલાવતા હતા. તેમણે ઓનલાઈન બેંકિંગ, બિલ ચૂકવણી, મોબાઈલ રિચાર્જ અને કેશબેક જેવી સેવાઓ આપીને યુઝર્સને-રોકાણકારોને આકર્ષિત કર્યા હોવાનો પણ આરોપ છે, જ્યારે નાની રકમથી લઈને લાખો રૂપિયા સુધીના વળતરનું વચન આપ્યું હતું.
ગુગલ પ્લે સ્ટોર પર એસડી પે એપ્લિકેશનને 10 લાખથી વધુ ડાઉનલોડ્સ થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ શરૂઆતમાં એસડી પે એકાઉન્ટ દ્વારા 271 લોકોને રોકાણ કરવા માટે કહ્યું હતું અને ત્યારબાદ વિવિધ સ્તરો દ્વારા લગભગ 1.5 લાખ થી 2.5 લાખ લોકોનું નેટવર્ક બનાવ્યું હતું, જેથી તેમને નાણાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય.
તપાસ દરમિયાન, પોલીસને વિવિધ કંપનીઓ સાથે સંકળાયેલા બેંક ખાતાઓ સાથે જોડાયેલી 83 સાયબર ફ્રોડની ફરિયાદ મળી હોવાના અહેવાલ છે. ઘણા વિવાદિત રકમના વ્યવહારો મળી આવ્યા હતા, જેમાં લગભગ રૂ. 76.84 લાખનો એક વ્યવહાર પણ સામેલ હતો.
પોલીસે જણાવ્યું હતું કે કથિત છેતરપિંડીના સંબંધમાં સાત અલગ અલગ કંપનીઓ દ્વારા સંચાલિત 15 બેંક ખાતા દ્વારા આશરે રૂ. 634 કરોડ જમા કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ વિવિધ બેંકોમાં આરોપીઓ સાથે જોડાયેલા લગભગ 30 થી 35 બેંક ખાતા પણ ઓળખી કાઢ્યા છે.પોલીસ દ્વારા પકડાયેલા આરોપીમાં આશિષ છગન ગેડીયા (સુરત કતારગામ), ભાવેશ ધીરુ ચૌહાણ (હાલ સુરત મૂળ સાવરકુંડલા), નીશી સત્યનારાયણ પ્રસાદ (મૂળ બિહાર રાજ્ય), સોહિલ જીતેન્દ્ર મકવાણા (મહેસાણા), નીરવ અરવિંદ પટેલ (મહેસાણા) અને સૂર્યસિંહ જગતસિંહ રાઠોડ (ગાંધીનગર)ના નામ બહાર આવ્યા છે.
રાઠોડ કંપનીનો ડિરેક્ટર હોવાનું માનવામાં આવે છે, તેની પણ ધરપકડ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચાલુ તપાસના ભાગ રૂપે આરોપીઓ સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હવે અસરગ્રસ્ત રોકાણકારોની સંખ્યા અને નેટવર્ક સાથે કથિત રીતે જોડાયેલા અન્ય વ્યક્તિઓ અને કંપનીઓની ભૂમિકાની તપાસ કરી રહી છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.