Thu Oct 08 2026

Logo

અમદાવાદ, સુરત અને નવસારીની પાંચ ટીપી સ્કીમમાં સરકારે કર્યો ફેરફાર

2026-09-05 16:43:00
Author: Pooja Shah
અમદાવાદ, સુરત અને નવસારીની પાંચ ટીપી સ્કીમમાં સરકારે કર્યો ફેરફાર

અમદાવાદઃ ગુજરાત સરકારે અમદાવાદ, સુરત અને નવસારીમાં પાંચ ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમમાં ફેરફારોને મંજૂરી આપી છે, જેમાં શહેરી જંગલો, પાર્કિંગ અને સામાજિક માળખાગત સુવિધાઓ માટે ઘણી જમીન ફાળવવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

અમદાવાદમાં, એરપોર્ટ નજીક હાંસોલ અને નિકોલ નજીક સિંગરવા અને ઓઢવ ઔદ્યોગિક વિસ્તારોમાં ફેરફારો કરવામા આવ્યા છે. સુધારાઓમાં રસ્તા પહોળા કરવા અને રિ-ડિઝાઈન કરવા, નવી પાર્કિંગ સુવિધાઓ અને વધારાની હરિયાળી જગ્યાઓ (ગ્રીન સ્પેસ)નો સમાવેશ થાય છે.

પ્રારંભિક ટીપી સ્કીમ નંબર 67 (હાંસોલ-1) હેઠળ, 16,616 ચોરસ મીટરનો પ્લોટ શહેરી જંગલ માટે અનામત રાખવામાં આવ્યો છે. ઘણા રસ્તાઓ પહોળા કરવામાં આવશે, જ્યારે 9-મીટરનો નવો રસ્તો પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. યોજનામાંથી હાલના ચાર  9-મીટર રસ્તાઓને બિનજરૂરી ગણવામાં આવ્યા હોવાથી દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

ટીપી સ્કીમ નંબર ૧૧૮ (સિંગરવા) હેઠળ, ૨,૧૪૮ ચોરસ મીટર અને ૭૭૦ ચોરસ મીટરના બે ખુલ્લા પ્લોટને શહેરી વન જમીનમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. ત્રણ કોમર્શિયલ પ્લોટને પણ ૧૧,૬૩૭ ચોરસ મીટરના એક જ કોમર્શિયલ વેચાણ પ્લોટમાં મર્જ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય પાર્સલ સામાજિક સુવિધાઓ સાથે જોડાયેલા પાર્કિંગ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે.

આ ફેરફારોનો ઉદ્દેશ્ય અમદાવાદના વિસ્તરતા શહેરી વિસ્તારોમાં ગ્રીન સ્પેસ, પાર્કિંગ અને સામાજિક સુવિધાઓની જરૂરિયાત સાથે પુનર્વિકાસ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંતુલિત કરવાનો છે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.