અમદાવાદઃ અમદાવાદમાં સાવકા બાપે સગીર દીકરી પર બે માસ સુધી રેપ કર્યો હતો. માએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. જોકે ઘટના અંગે દીકરીએ તેની માસીને વાત કરી હતી. જે બાદ પરિવાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી હતી.
પોલીસે 39 વર્ષીય ઈસમની તેની જ 17 વર્ષીય સગીર દીકરી સાથે છેલ્લા બે માસ સુધી રેપ કરવાના આરોપસર ધરપકડ કરી હતી. આરોપીએ વર્ષ 2017 માં સગીરાની માતા સાથે લગ્ન કર્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ પરિસ્થિતિ સામાન્ય હતી, પરંતુ છેલ્લા બે મહિનાથી સગીરા ઘરે એકતી હોય ત્યારે સાવકો બાપ રેપ કરતો હતો.
જોકે સગીરા આખરે હિંમત કરીને તેની માસીને સમગ્ર ઘટના જણાવી હતી. માસીએ આ બાબતની ગંભીરતા સમજીને તરત જ તેની બહેન અને સગીરાની માતાને જાણ કરી હતી. દીકરી પર અત્યાચાર થતો હોવાની જાણ થતાં માતાએ ઘરમાં મોબાઈલ કેમેરો છૂપી રીતે ગોઠવી આરોપીની કરતૂત રંગેહાથ કેદ કરી હતી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નરાધમ પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
શું કરે છે આરોપી
સગીરાની માતાએ વર્ષ 2017માં આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા. આરોપી એક કપડાંની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે, જ્યારે સગીરાની માતા વ્યવસાયે શિક્ષિકા છે. શિક્ષિકા માતા દરરોજ સવારે સમયસર સ્કૂલે ભણાવવા જતી રહેતી હતી. ઘરમાં કોઈ ન હોવાનો લાભ ઉઠાવીને સાવકા પિતાએ સગીર દીકરી પર નજર બગાડી હતી. શરૂઆતમાં શારીરિક અડપલાં કર્યા બાદ તે છેલ્લા બે મહિનાથી સગીરાની એકલતાનો ગેરફાયદો ઉઠાવી તેની સાથે બળજબરીપૂર્વક કુકર્મ આચરતો હતો.
સાવકા બાપના ડર, ધમકી અને પારિવારિક બદનામીના સંકોચને કારણે સગીરા શરૂઆતમાં લાચાર બનીને અત્યાચાર સહન કરતી રહી. પોલીસ ફરિયાદ કરતાં પહેલાં મજબૂત પુરાવો હાથ લાગે તે હેતુથી માતાએ એક યોજના બનાવી હતી. સવારે સ્કૂલે જતાં પહેલાં તેમણે રૂમમાં કોઈ જોઈ ન શકે તે રીતે મોબાઈલ ફોનનું વીડિયો રેકોર્ડિંગ ચાલુ કરીને મૂકી દીધું હતું. માતાના ગયા બાદ નરાધમ પિતાએ સગીરા સાથે કરેલી તમામ શરમજનક હરકતો ફોનના કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી.
વીડિયો ફૂટેજના સચોટ પુરાવા મળતાં જ માતા સગીરાને લઈને ચાંદખેડા પોલીસ મથકે પહોંચી હતી અને પતિ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. ચાંદખેડા પોલીસે મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક એક્શન લઈ આરોપી સાવકા પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.