Thu Oct 08 2026

Logo

અમદાવાદમાં આજથી ચાર દિવસ સુધી રિક્ષા અને ટેક્સી ચાલકોએ હડતાળ

2026-09-07 09:21:00
Author: Vimal Prajapati
અમદાવાદમાં આજથી ચાર દિવસ સુધી રિક્ષા અને ટેક્સી ચાલકોએ હડતાળ

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદ: શહેરમાં આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોએ હડતાળ શરૂ કરી છે. આજે શહેરની હજારો રિક્ષા અને ટેક્સીના ટાયર થંભી ગયાં છે. ભાડામાં વધારો કરવાની માંગ રિક્ષા અને ટેક્સી સંચાલકોએ હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળ આજથી લઈને આગામી 10 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. આ ચાર દિવસ દરમિયાન અમદાવાદ શહેરના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. 

રોજિંદી મુસાફરી કરતા લોકોને વધારે હાલાકી થશે

નોંધનીય છે કે, આ હડતાળના કારણે આજથી ચાર દિવસ રિક્ષા કે ટેક્સીથી ઓફિસ, દુકાન, કોલેજ કે અન્ય કામ માટે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. રોજિંદી મુસાફરી કરતા લોકોને વધારે પરેશાન થવું પડશે. સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અમદાવાદના ટેક્સી-રીક્ષા યુનિયનોએ આજથી આગામી 10 સપ્ટેમ્બર દરમિયાન 4 દિવસની સંપૂર્ણ હડતાળની જાહેરાત કરી છે.

ટેક્સી-રીક્ષા યુનિયનોની માંગણી શું છે?

અત્યારે ટ્રાવેલ માટે ઓનલાઈન ટ્રીપ બૂક કરવામાં આવે છે, જેમાં ખાનગી ટુ-વ્હીલર બાઇકોને પેસેન્જર સેવામાં જોડવામાં આવ્યાં છે, જેના કારણે રિક્ષાચાલકોની રોજીરોટી છીનવાઈ રહી છે, જેને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ આ કંપનીઓ સરકારી મીટરના નિયમોને બદલે પોતાની રીતે ઓછા અને અનિયંત્રિત ભાડાં નક્કી કરીને વાહનચાલકોનું શોષણ કરે છે. જેથી હવે તમામ એપમાં સરકારી નિયમ મુજબ જ ભાડું લાગુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. 

27 ઓગસ્ટે યુનિયનોએ આપ્યું હતું આવેદનપત્ર

પોતાના આ માંગ સરકાર સુધી પહોંચે તે માટે આ હડતાળની શરૂઆત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે, હડતાળની જાહેરાત કર્યાં પહેલા યુનિયનો દ્વારા સરકારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. યુનિયનોએ 27 ઓગસ્ટે ગાંધીનગરમાં ટ્રાન્સપોર્ટ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ કોઈ પગલા લેવામાં ના આવ્યાં તેના કારણે આજથી હડતાળ શરૂ કરવામાં આવી છે. આ હડતાળના કારણે આજે રિક્ષા અને ટેક્સી પર આધાર રાખતા લોકોને કોઈ બીજો વિકલ્પ શોધવો પડી શકે છે.