ભુજ: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) સંચાલિત મુંદરા પોર્ટે ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન અનેક ઓપરેશનલ સિદ્ધિઓ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. પોર્ટે એક જ મહિનામાં અત્યાર સુધીનો સર્વોચ્ચ ૧૮.૬૦ મિલિયન મેટ્રિક ટન (MMT) માસિક કાર્ગો થ્રૂપુટ અને ૮,૧૯,૦૪૬ TEU કન્ટેનર હેન્ડલ કરીને નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે.
રેલવે લોજિસ્ટિક્સ નેટવર્કમાં પણ મુંદરા પોર્ટે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ગત ૨૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ એક જ દિવસમાં ૬૩ કન્ટેનર રેક્સ મારફતે ૭,૭૧૨ TEU (૩,૪૭૬ નિકાસ અને ૪,૨૪૪ આયાત) હેન્ડલ કરીને અત્યાર સુધીનું સર્વોચ્ચ દૈનિક કન્ટેનર રેલ વોલ્યુમ નોંધાવ્યું હતું. આ સાથે ૨૬ જુલાઈ ૨૦૨૫ના ૭,૩૩૨ TEUના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. તે જ દિવસે ૩૧ ટ્રેનો મારફતે ૪,૨૪૪ આયાત TEU હેન્ડલ કરીને એક જ દિવસના સૌથી વધુ આયાત કન્ટેનર હેન્ડલિંગનો પણ નવો માપદંડ સ્થાપ્યો છે.
આ ઉપરાંત ૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ આર.એન્ડ ડી. યાર્ડની લાઈન નંબર ૧૨ અને ૧૩ પરથી પ્રથમ લાંબા અંતરની ટ્રેનનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. યાર્ડના આ વિસ્તરણથી ટ્રેનોના ટર્નઅરાઉન્ડ સમયમાં ઘટાડો થશે અને કામગીરી વધુ ઝડપી બનશે. આ તમામ સિદ્ધિઓ ભારતને વૈશ્વિક લોજિસ્ટિક્સ હબ બનાવવાના વિઝનમાં અદાણી મુન્દ્રા પોર્ટનું મહત્વપૂર્ણ યોગદાન દર્શાવે છે.
ઉત્સવ વૈદ્ય