Thu Oct 08 2026

Logo

ઉત્તર ગુજરાતમાં રેતી ભરેલું ટેન્કર જપ્ત નહીં કરવા હેડ કોન્સ્ટેબલે લીધી 1000ની લાંચ ને એવો ફસાયો કે............

2026-09-04 10:56:00
Author: Mumbai Samachar Team
ઉત્તર ગુજરાતમાં રેતી ભરેલું ટેન્કર જપ્ત નહીં કરવા હેડ કોન્સ્ટેબલે લીધી 1000ની લાંચ ને એવો ફસાયો કે............

સાબરકાંઠા જિલ્લામાં ખાખી વર્ધીને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કૉન્સ્ટેબલ દિલીપભાઈ બાબુભાઈ બોદરને રૂ. 1,000ની લાંચ લેતા મહેસાણા એન્ટિ કરપ્શન બ્યુરો  દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. રેતી ભરેલા ટ્રેક્ટરને જપ્ત ન કરવાના અવેજ પેટે પોલીસ કર્મચારીએ લાંચની માંગણી કરી હતી.

રેતી ભરેલા ટ્રેક્ટરને જપ્ત ન કરવા માંગી હતી લાંચ

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી રેતીના પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનું રેતી ભરેલું ટ્રેક્ટર હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ દિલીપભાઈ બાબુભાઈ બોદરે ટ્રેક્ટર રોકીને તેને ડીટેઇન ન કરવા અને મુક્તપણે જવા દેવા માટે ફરિયાદી પાસે રૂ. 2,000ની કમિશન પેટે લાંચની માંગણી કરી હતી.

ફરિયાદીએ મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો

ફરિયાદી કાયદેસરની રકમ કે લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે તુરંત મહેસાણા ACBનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટના અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે લાંચિયા કૉન્સ્ટેબલને પકડવા માટે ચોક્કસ પ્લાન બનાવીને ટ્રેપ ગોઠવી હતી.

RTO ગ્રામ્ય પોલીસ ચોકી પાસે ACBની સફળ ટ્રેપ

ગોઠવેલી ટ્રેપ મુજબ, હિંમતનગર ખાતે આવેલી RTO ગ્રામ્ય પોલીસ ચોકી પાસે ફરિયાદી અને હેડ કૉન્સ્ટેબલ દિલીપ બોદર વચ્ચે મુલાકાત નક્કી થઈ હતી. રકઝક બાદ હેડ કૉન્સ્ટેબલ રૂ. 1,000 લેવા માટે સંમત થયો હતો. જેવો દિલીપ બોદરે ફરિયાદી પાસેથી રૂ. 1,000ની લાંચની રકમ સ્વીકારી, તે જ સમયે ત્યાં પહેલાથી જ વોચમાં ગોઠવાયેલી મહેસાણા ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

પોલીસ બેડામાં ફફડાટ

ACBએ લાંચની રકમ જપ્ત કરી હેડ કૉન્સ્ટેબલ દિલીપભાઈ બોદર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હિંમતનગરમાં જાગૃત નાગરિક અને એસીબીના દરોડાને કારણે સાબરકાંઠા અને હિંમતનગરના પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.