Thu Oct 01 2026

Logo

પુતિન અને જિનપિંગની સાથે યોગી આદિત્યનાથ પણ BRICSના ડિનરમાં થશે સામેલ, બીજા કયા મુખ્યમંત્રીઓ આમંત્રિત

2026-09-12 13:35:00
Author: Mumbai Samachar Team
પુતિન અને જિનપિંગની સાથે યોગી આદિત્યનાથ પણ BRICSના ડિનરમાં થશે સામેલ, બીજા કયા મુખ્યમંત્રીઓ આમંત્રિત

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે જ દિલ્હી આવી પહોંચ્યા હતા. તેમની પીએમ નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી અને બંને નેતાઓએ બ્રિક્સ બિઝનેસ ફોરમને પણ સંબોધિત કર્યું હતું. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હવે દિલ્હી પહોંચી ગયા છે. આજે એટલે કે શનિવારની સાંજે ૭:૩૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વિશેષ ભોજન સમારંભ (ડિનર) આપવાના છે. 

આ ડિનરમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને અન્ય નેતાઓ સામેલ થશે. એટલું જ નહીં, આ રાત્રિભોજનમાં ભારતના પણ તમામ પ્રતિનિધિઓ હાજર રહેશે. કેન્દ્ર સરકારના મંત્રીઓ ઉપરાંત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે, જેમાં યોગી આદિત્યનાથનું નામ મુખ્ય છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હી પહોંચી રહ્યા છે અને તેઓ રાત્રિભોજનમાં હાજરી આપશે.

અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા આ ભોજન સમારંભનો ભાગ બનશે. આ ઉપરાંત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પણ આ રાત્રિભોજનમાં સામેલ થશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ દિલ્હી પહોંચી રહ્યા છે.

આ રાત્રિભોજનમાં બીજા પણ ઘણા વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના સીએમ શુભેન્દુ અધિકારી પણ આ માટે દિલ્હી આવી રહ્યા છે. દેશભરના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ મળ્યું છે.

આજે સાંજે યોજાનાર આ ડીનર રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. આ આયોજનમાં ૧૬૦ સભ્યો ધરાવતો એક કલાકાર સમૂહ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરશે. આ પ્રોગ્રામમાં ચીન, રશિયા અને ઈરાન સહિત બ્રિક્સના તમામ સભ્ય દેશોની સાંસ્કૃતિક ઝલક જોવા મળશે. આ ડિનરનું મેનૂ દિલ્હીના ખાસ શેફ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યું છે.

ચીન, રશિયા, ઈરાન, સાઉદી અરેબિયા, ઇથોપિયા સહિત તમામ સભ્ય દેશોની સંસ્કૃતિનું પણ ખાનપાનમાં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ જેવા નેતાઓની ખાણીપીણીની પસંદગીનું પણ આમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.