શ્રીલેખા યાજ્ઞિક
તારીખ઼ 14મી સપ્ટેમ્બરને સોમવાર એટલે કે ‘ગણેશ ચતુર્થી’ના દિવસે ગણેશજીની પધરામણી થઈ ગઈ છે. નાના-મોટા સર્વે વ્યક્તિના ચહેરા આનંદિત જોવા મળી રહ્યા છે. ગણેશજીનું સ્થાપન ઘરે-ઘરે અત્યંત સુંદર રીતે કરવામાં આવતું હોય છે. તેમાં પણ મહારાષ્ટ્રની વાત જ અનોખી હોય છે. દુંદાળા દેવ ગણેશજીની પધરામણી અગાઉ એક-બે મહિના પહેલાંથી જ ભક્તો વિવિધ રીતે તેમના આગમનની તૈયારીમાં ગળાડૂબ જોવા મળે છે.
સૌ પ્રથમ તો નિષ્ણાત મૂર્તિકાર દ્વારા મૂર્તિને મનોહર બનાવવા માટે અથાગ મહેનત કરવામાં આવે છે. તેને વિવિધ રંગો દ્વારા કલાત્મક બનાવવામાં આવે છે. જો આપ મૂર્તિની પસંદગી કરવા જાવ તો એવું જ લાગે કે બધી જ મૂર્તિ અતિ સુંદર છે. બધા જ બાપજીને ઘરમાં આણવાનું મન થઈ જતું હોય છે. અનેક નિષ્ણાત મૂર્તિકાર મૂર્તિ બનાવતી વખતે ખાસ ઉપવાસ કરતાં હોય છે. તો અનેક મૂર્તિકાર અનુષ્ઠાન કરીને ગણેશજીને શણગાર કરે છે.
ક્યાંક તેમના આગમન વખતે કેવું સુશોભન કરવું તેની તૈયારી જોવા મળે છે. તો અનેક યુવા ભક્તો તેમના આગમનને ધામધૂમથી વધાવવા માટે ઢોલ-નગારાની સાથે આધુનિક વાજિંત્રોને વગાડવાની પ્રેકટિસ કરતાં હોય છે. ફૂલહાર કયા પ્રકારના ગૂંથવા તેની તૈયારી અગાઉથી જ કરવામાં આવતી હોય છે. તો ગણેશજીને પ્રિય કયા કયા નૈવેદ્ય બનાવીને તેમની કૃપા મેળવવી તે વિશે ચર્ચા થતી હોય છે. જેમ ઘરમાં કોઈ મનગમતાં મહેમાન આવવાના હોય ત્યારે જેવી તૈયારી થતી હોય છે તેનાથી વિશેષ તૈયારી ગણેશજીના આગમનમાં જોવા મળે છે.
ઘરમાં બનાવેલાં વ્યંજનો આરોગ્ય માટે વધુ ગુણકારી ગણાય છે, તે વાત સર્વવિદિત છે. જેમ ગણેશજીના આગમનમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં લાડુ બનાવવામાં આવે છે. તે જ પ્રમાણે મહારાષ્ટ્રમાં એકદંતના આગમન વખતે પારંપારિક રીતે તૈયાર કરેલાં ઉકડી મોદકનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે. લંબોધરને મોદક અતિ પ્રિય ગણાય છે. ઘરે-ઘરે તેને વિવિધ રીતે તૈયાર કરવામાં આવે છે. ઉકડી મોદક સ્વાદમાં અપ્રતિમ તથા સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. તેને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રત્યેક સામગ્રી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે.
ઉકડ એટલે ઈન્દ્રાણી કે આંબામોર ચોખાના લોટને બાફીને તૈયાર કરવામાં આવતું બહારનું પડ. તેમ જ અંદર ભરવામાં આવતું ગોળ-કોપરાનું પૂરણ. આયુર્વેદિક દૃષ્ટિએ પણ બંને સામગ્રી અત્યંત મહત્ત્વની ગણાય છે. ગોળ લોહીમાં હિમોગ્લોબીન વધારવામાં મદદરૂપ બને છે. કુદરતી રીતે જ મીઠાશ ધરાવતો ગોળ સ્વાસ્થ્ય માટે ખાંડ કરતાં વધુ શ્રેષ્ઠ ગણાય છે. પાચન સુધારવાની સાથે લોહીનું શુધ્ધીકરણ કરવામાં મદદરૂપ બને છે.
ઉકડી મોદકના સ્વાસ્થ્ય લાભ : ઉકડી મોદકનું સેવન કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. મોદકમાં જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં મુખ્યત્વે ચોખાનો લોટ, ગોળ, લીલું નાળિયેર, કાજુ-બદામ, એલચી-જાયફળ, કેસરના તાંતણાં તેમ જ શુદ્ધ ઘી હોય છે. એવું કહેવાય છે કે સંપૂર્ણ દિવસને તાજગી સભર રાખવો હોય તો સવારના એક મોદક ખાઈ લેવો. એક મોદકને ખાવાથી લગભગ 250 કૅલરીઝ શરીરને મળી રહે છે. એક મોદકમાં સરેરાશ 9-10 ગ્રામ ફેટ, 60-70 ગ્રામ કાર્બોહાઈડ્રેટસ્ તેમજ 3-4 ગ્રામ પ્રોટીન સમાયેલું હોય છે. દિવસ દરમિયાન એક વ્યક્તિને જેટલી ઊર્જાની આવશ્યકતા પડતી હોય છે તેમાંથી અડધોઅડધ ઊર્જા સવારના એક મોદક ખાવાથી મળી રહે છે.
લંબોદરને પ્રિય તેવાં મોદકમાં વપરાતી મુખ્ય સામગ્રી એટલે ચોખાનો તાજો દળાવેલો લોટ : ચોખાના લોટમાં વિટામિન બી-1 સમાયેલું હોય છે. જે સ્વાસ્થ્ય માટે અતિગુણકારી ગણાય છે. તેમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જેને કારણે મોદકનું સેવન ર્ક્યા બાદ શરીરમાં રહેલાં ઝેરીલાં પદાર્થ શરીરમાંથી બહાર ફેંકાઈ જાય છે. જેમને લાંબા સમયથી કબજિયાત રહેતી હોય તેમને માટે મોદકનો આહારમાં સમાવેશ કરવો અતિ લાભકારી સાબિત થાય છે. ચોખાના લોટમાં પ્રોટીન ભરપૂર માત્રામાં સમાયેલું હોય છે. વળી ચોખાનો લોટ ગ્લુટેન મુક્ત હોવાથી તેનો ઉપયોગ સરળતાથી કરી શકે છે.
ગોળ : ઉકડી મોદક બનાવવા માટે બીજી સામગ્રી હોય છે તે છે ગોળ. આપણાં વડીલો વારંવાર કહેતાં કે ઠંડીમાં ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણાય છે. પારંપારિક વ્યંજનનોમાં ગોળનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે. ગોળ આયર્નનું મુખ્ય સ્રોત ગણાય છે. આપણે ત્યાં ભોજનની થાળી પીરસાય ત્યારે તેમાં એક નાની ગોળની ગોળી કે ગાંગડી અચૂક પીરસવામાં આવતી. જેને કારણે વ્યક્તિની પાચનક્રિયામાં સુધારો જોવા મળે છે.
ગોળનું સેવન નિયમિત કરવાથી ત્વચા મુલાયમ બને છે. હવામાનમાં બદલાવને કારણે શરીરના તાપમાનમાં ક્યારેક ઉતાર-ચઢાવ જોવા મળે છે. જેને ગોળના સેવન થકી સપ્રમાણ રાખી શકાય છે. ગોળનું પ્રમાણભાન રાખીને સેવન કરવાથી શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર ફેંકાઈ જાય છે. શરીરમાં શક્તિનો સંચાર થાય છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં રહેલી નબળાઈ દૂર થાય છે.
લીલું નાળિયેર : મોદકને સ્વાદિષ્ટ બનાવતી મુખ્ય સામગ્રી એટલે જ લીલું નાળિયેર. તાજા નાળિયેરની છાલ કાઢ્યા બાદ તેને ખાસ પ્રકારના નાળિયેર છીણવાના મશીનથી ઝીણું તૈયાર કરવામાં આવે છે. તેમાં ગોળ-એલચી-જાયફળ પાઉડર ભેળવીને પૂરણ તૈયાર કરવામાં આવે છે. તાજા નાળિયેરના સ્વાસ્થ્યવર્ધક ગુણો જોઈએ તો તેમાં સારા પ્રમાણમાં ફાઈબર, મેંગેનીઝ, આયર્ન, સેલેનિયમ જેવાં પોષક તત્ત્વો સમાયેલાં હોય છે. જે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક ગણાય છે.
એલચી : નાની અમથી એલચી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. એલચીમાં પોટેશ્યિમ, કૅલ્શ્યિમ, આયર્ન, સલ્ફર જેવું ખનીજ સમાયેલું હોય છે. ઍન્ટિ સેપ્ટિક તેમ જ ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો સમોયલાં છે. ભૂખ ઉઘાડનાર ગુણો તેમાં સમાયેલાં છે. એલચીનું સેવન કરવાથી ભોજન બાદ કે લાંબા ઉપવાસ બાદ ગેસ થવો, અપચો, પેટ ફૂલી જવું, આફરો ચઢવા જેવી સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
વજનને નિયંત્રણમાં રાખવા માગતી વ્યક્તિ માટે એલચીનું સેવન ઉપયોગી ગણાય છે. મોસમમાં બદલાવને કારણે શરદી-ખાંસી-નાકમાંથી સતત પાણી પડવાની સમસ્યાથી બચવું હોય તેમણે એલચીનો ઉપયોગ અચૂક કરવો જોઈએ. ગરમાગરમ દૂધ- ઉકાળો કે ચામાં એલચીનો ભૂકાનો ઉપયોગ વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.
શુદ્ધ ઘી : આપણે બધા જ જાણીએ છીએ કે ચોખ્ખું ધી સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારી છે. સપ્રમાણ માત્રામાં ઘીનું સેવન કરવું પ્રત્યેક વ્યક્તિ માટે અત્યંત આવશ્યક છે. ઘીનું સેવન કરવાથી પાચનક્રિયા મજબૂત બને છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ઘીનું સેવન લાભકારી ગણાય છે. સાંધાના દુખાવા રહેતાં હોય તેવી વ્યક્તિ માટે ઘી જાદુઈ અસર કરે છે.
ઘીનું સેવન કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કેમ કે ઘીમાં વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ, તેમજ વિટામિન કેની માત્રા સમાયેલી હોય છે. જે હૃદય તેમજ મસ્તિષ્કની કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે ઉપયોગી ગણાય છે. શુદ્ધ ઘીનું સેવન કરવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર ફેંકાઈ જાય છે. તેમજ સૂકી ત્વચા માટે શુદ્ધ ઘી વરદાન સમાન ગણાય છે
કેસર: કેસરનાં તાંતણાંથી ઉકડી મોદકની સજાવટ ખાસ કરવામાં આવે છે. કેસર શરીરને ઠંડક આપનારી ગણાય છે. શરદી-ખાંસીથી રાહત આપવાની સાથે કેસર યાદશક્તિ વધારવામાં મદદરૂપ ગણાય છે. ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો ધરાવતી કેસરને ‘લાલ સોના’તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભાવસ્થામાં કેસરવાળું દૂધ બનાવીને ખાસ પીવડાવવામાં આવે છે. જે ગર્ભસ્થ શીશુના વિકાસની સાથે માતાના સ્વાસ્થ્ય માટે લાભકારી ગણાય છે. કેસરમાં રાઈબોફ્લેવિન ભરપૂર માત્રામાં સમાયેલું હોય છે. જે વિટામિન બીનું સ્વરૂપ ગણાય છે. વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કેસરનો ઉપયોગ કોઈપણ મીઠાઈમાં કરવાથી તે સ્વાદમાં વૃદ્ધિ કરે છે. વ્યક્તિના મનને આનંદિત બનાવી દે છે.
પારંપારિક રીતે તૈયાર કરવામાં આવતાં ઉકડી મોદકમાં ઉપરોક્ત સામગ્રીનો મુખ્ય ઉપયોગ કરવામાં આવતો. ધીમે ધીમે તેમાં વૈવિધ્ય આવતાં થોડાં સુધારા-વધારા કરવામાં આવ્યા છે. જેમ કે અનેક લોકો તેમાં સૂકા મેવાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. સૂકા મેવામાં શરીર માટે લાભકારી તેવાં વિટામિન, ખનીજ તેમજ પૂરતાં પ્રમાણમાં પ્રોટીન સમાયેલું હોય છે. તેનો ઉપયોગ કરવાથી શરીરને તેનો ફાયદો મળી રહે છે.
ઉકડી મોદક એક પારંપારિક વાનગીની સાથે મનને તૃપ્ત બનાવે તેવી ખાસ મીઠાઈ ગણાવી શકાય. સામાન્ય રીતે લાડુની વાત નીકળે એટલે ઘી કે તલના તેલમાં ઘઉંના જાડા લોટના સપ્રમાણ આકારના પીંડા વાળીને તેને તળી લેવામાં આવે છે. ત્યારબાદ તેમાં જરૂર મુજબ ઘી-ગોળ-બુરૂ ખાંડ-એલચી-જાયફળ-સૂકોમેવો-ખસખસ ભેળવવામાં આવે છે. લાડુ તૈયાર થતાં અત્યંત આકર્ષક તેમજ સ્વાદિષ્ટ બને છે.
તેનું સેવન પ્રમાણભાન રાખીને કરવું આવશ્યક ગણાય છે. જ્યારે ઉકડી મોદકમાં મોદકને સુંદર આકાર આપ્યા બાદ તેને બાફવામાં આવે છે. જેથી તે વધુ પૌષ્ટિક ગણાય છે. મોસમના બદલાવને કારણે મુખ્યત્વે પાચનક્રિયામાં દેખાતી ગરબડથી બચી શકાય છે. વળી ગણપતિબાપાને નૈવેદ્ય ધરાવ્યા બાદ તેને ગ્રહણ કરવાથી મન અત્યંત આનંદિત બની જાય છે. સર્જનહારની રચેલી પ્રત્યેક નાની નાની વસ્તુ જે સ્વાદની સાથે સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે તેની ઉપર એક ગર્વની તેમજ આભારની સંતુષ્ટી થાય છે.
પારંપારિક રીતે ઉકડી ચે મોદક બનાવવાની પદ્ધતિ
સામગ્રી: 1 કપ ઈન્દ્રાણી કે આંબેમોર ચોખાનો તાજો લોટ, દોઢ વાટકી તાજું નાળિયેર, અડધી વાટકી પાણી, અડધી વાટકી દૂધ, 1 ચમચી શુદ્ધ ઘી, ચપટી મીઠું, 1 વાટકી ગોળ, 8-10 કેસરના તાંતણાં, 1 ચમચી એલચી પાઉડર, ચપટી જાયફળ પાઉડર, 1 ચમચી શેકલાં કાજુના ઝીણાં ટુકડાં, 1 ચમચી શેકેલી બદામના ઝીણાં ટુકડાં.
બનાવવાની રીત : સૌ પ્રથમ એક કડાઈમાં અડધો કપ પાણી ગરમ કરવું. તેમાં અડધો કપ દૂધ ઉમેરવું. એક ચમચી ઘી તેમ જ ચપટી મીઠું ઉમેરીને ઉકાળવું. પાણી ઉકળવા લાગે એટલે તેમાં ચોખાનો તાજો લોટ ઉમેરીને બરાબર ભેળવવું. ધીમી આંચ ઉપર 2-3 મિનિટ લોટને સીઝવવો. ત્યારબાદ આંચ ઉપરથી ઉતારીને બાજુ ઉપર ઢાંકીને રાખવો. હવે એક નૉન સ્ટીક કડાઈમાં 1 નાની ચમચી ઘી લેવું. તેમાં કાજુ-બદામના ટુકડાં ઉમેરવાં. લીલા નાળિયેરનું છીણ ઉમેરવું. 2-3 મિનિટ શેકવું. ત્યારબાદ તેમાં ગોળ ઉમેરવો.
એલચી પાઉડર-જાયફળ પાઉડર ઉમેરવો. મિશ્રણને બરાબર હલાવીને એકરસ કરવું. તેને ઠંડું કરવા મૂકવું. હવે બાફેલાં ચોખાના લોટને મસળવા માટે એક મોટી વાટકી કે લોટાની પાછળના ભાગમાં ઘી લગાવીને લોટને ગરમ-ગરમમસળવો. રોટલીની કણક જેવો મુલાયમ લોટ બનાવવો. ત્યારબાદ તેમાંથી એક સરખા ગોળા વાળવા. તેની પાતળી પૂરી વણીને તેને હાથમાં લઈને ચપટીથી આકાર આપવો. તેમાં તાજા કોપરાંનું તૈયાર કરેલું પૂરણ ભરવું.
હવે એક કડાઈમાં ગરમ પાણી મૂકવું. ત્યારબાદ તેની ઉપર ચારણીમાં તૈયાર કરેલાં મોદકને ગોઠવવાં. પ્રત્યેક મોદક ઉપર કેસરનાં તાંતણાંને ચોંટાડવા. 6-8 મિનિટ તેને બાફવું. ઉપરથી થોડું ઘી મૂકવું. ગરમા-ગરમ ઉકડી ચે મોદકનો નૈવેદ્ય દુંદાળા દેવ ગણેશજીની સમીપ સુંદર -સ્વચ્છ ભોજનપાત્રમાં ભોગ માટે ગોઠવવું. ત્યારબાદ ભક્તોએ સ્વાદિષ્ટ મોદકનો આસ્વાદ માણવો. મોદકનો સ્વાદ માણીને આપનું મન અચૂક કૃત-કૃત થઈ જશે.